દુબઈ : એશિયા કપ 2025માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચુકી છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઓછી રહેતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માટે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને 14 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાનની મહામુકાબલાની મેચથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે પણ ફેન્સમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. હાલ સુધી આ મેચની 50 ટકા જેટલી ટિકિટ પણ વેચાઈ નહીં હોવાનું જાણવા મળે છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ પરિસ્થિતિને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના મતે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં હાજર ન હોવાને કારણે દર્શકો સ્ટેડિયમ તરફ આકર્ષાયા નથી. આકાશે કહ્યું કે, “જ્યારે વિરાટ કોહલી રણજી ટ્રોફીનો મુકાબલો રમવા ગયા હતા, ત્યારે પણ સ્ટેડિયમ લગભગ ભરાયું હતું. તેમની ગેરહાજરી જ ટિકિટ ન વેચાવાનું એક મોટું કારણ છે.”
આકાશ ચોપરાએ સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશ, ભારત અને અફઘાનિસ્તાન એક-એક મેચ રમી ચૂક્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ પણ સ્ટેડિયમમાં વધુ દર્શકો જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે આનો સંબંધ ટિકિટના ભાવે કે UAEમાં લોકોની કામકાજની વ્યસ્તતા સાથે નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ફેન્સ માટે મોટો ફેરફાર લાવી શકતી હતી.
તેમણે ઉદાહરણ આપ્યું કે જો પહેલાં 5,000 દર્શકો મેચ જોવા આવતા હતા, તો રોહિત અને કોહલી હાજર હોત તો ઓછામાં ઓછા 10,000 થી 15,000 લોકો સ્ટેડિયમમાં ઉમટી પડતા. આવા સ્ટાર ખેલાડીઓને વ્યક્તિગત રીતે જોવા ફેન્સને ભાગ્યે જ તક મળે છે, તેથી તેમની ગેરહાજરીનું મહત્વ ઘણું છે.