Site icon Revoi.in

એશિયા કપ : પાકિસ્તાનના ખેલાડીઓના ‘સાંકેતિક બહિષ્કાર’ પાછળ કોચ ગૌતમ ગંભીરનો નિર્ણય !

Social Share

દુબઈ : એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને માત્ર ક્રિકેટ મેદાન પર જ નહીં, પરંતુ પોતાના વલણથી પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. હવે ખુલાસો થયો છે કે આ નિર્ણય ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો હતો.

ભારતની જીત બાદ બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતાં ગૌતમ ગંભીરએ કહ્યું કે, “આ સારી જીત હતી. ટૂર્નામેન્ટમાં હજી ઘણો ક્રિકેટ બાકી છે. પરંતુ આ મુકાબલો અમારા માટે ખાસ હતો કારણ કે અમે પહલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવાર સાથે એકતાનું સંદેશ આપવા માગતા હતા. સૌથી મહત્વનું એ છે કે અમે ભારતીય સેનાનો આભાર માનવા માગતા હતા જેમણે સફળ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું. અમારી ટીમ દેશને ગર્વ અનુભવડાવતી રહેશે.”

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ મેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાક-આધીન કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઘટનાક્રમ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ જંગ હતો, જેને લઈને પહેલેથી જ ભારે દબાણનું વાતાવરણ હતું.

મેચમાં ભારતે પ્રથમ બોલિંગ કરીને પાકિસ્તાનને માત્ર 127 રનમાં સમેટી દીધું હતું. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી, જ્યારે બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ મેળવી હતી. બાદમાં અભિષેક શર્માની તોફાની શરૂઆત અને કપ્તાન સુર્યકુમાર યાદવના અણનમ 47 રનની ઇનિંગ્સ સાથે ભારતે લક્ષ્ય માત્ર 15.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

જો કે ક્રિકેટની દૃષ્ટિએ આ જીત એકતરફી રહી, પરંતુ ચર્ચાનું કેન્દ્ર ‘સાંકેતિક બહિષ્કાર’ રહ્યો છે. મેચ બાદ જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા આગળ વધ્યા, ત્યારે ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનું દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આમ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

કપ્તાન સુર્યકુમાર યાદવે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “આ ટીમનો સંયુક્ત નિર્ણય હતો. અમે અહીં ફક્ત રમવા આવ્યા હતા અને યોગ્ય જવાબ મેદાન પર આપ્યો છે. અમારો આધાર બીસીસીઆઈ અને સરકાર સાથે છે. જીવનમાં કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર હોય છે. અમે પહલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવાર સાથે ઊભા છીએ. આ જીત અમારા બહાદુર જવાનોને સમર્પિત છે જેઓએ ‘ઓપરેશન સિંદૂર’માં ભાગ લીધો.”

ભારતની આ સતત બીજી જીત છે અને ટીમ હવે ગ્રુપ-એમાં ટોચ પર પહોંચી ગઈ છે. જો પાકિસ્તાન પણ સુપર-ફોર માટે ક્વોલિફાઈ કરે, તો આવતી કાલે બંને ટીમો ફરી આમને સામને આવશે, જે હાલની પરિસ્થિતિને જોતા વધુ જોરદાર બનશે.

Exit mobile version