Site icon Revoi.in

એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓએ મેદાનમાં કરેલા અયોગ્ય વર્તનનો ગીલ-અભિષેકે બેટથી આપ્યો જવાબ

Social Share

દુબઈ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડની પહેલી જ મેચમાં ભારતે પોતાના ચિરપ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સુપર-4માં શાનદાર શરૂઆત કરી છે. ભારત પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચ્યું છે જ્યારે પાકિસ્તાન હાર બાદ તળિયે પહોંચ્યું છે. અભિષેક અને ગિલ વિસ્ફોટક બેટીંગ કરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બંને ખેલાડીઓએ પોતાની બેટીંગ વડે હરિફને જવાબ આપ્યો હતો.

ભારતના ઓપનરો શુભમન ગિલ અને અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ પાકિસ્તાનના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું હતું. બંને વચ્ચે પહેલી વિકેટ માટે ફક્ત 59 બોલમાં 105 રનની ભાગીદારી થઈ, જેના કારણે પાકિસ્તાનની મેચમાંથી સંપૂર્ણ બહાર થઈ ગયું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. એક સમયે લાગતું હતું કે ભારત માટે લક્ષ્ય કઠિન સાબિત થશે, પરંતુ ગિલ અને અભિષેકે પહેલી જ 10 ઓવરમાં મેચને એકતરફી બનાવી દીધી હતી.

જીત બાદ અભિષેક શર્મા અને શુભમન ગિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેણે પાકિસ્તાનના ચાહકોને અકળાવી દીધા છે. અભિષેકે ફોટા શેર કરીને લખ્યું હતું કે, “તમે બોલો છો અને અમે જીતીએ છીએ.” જ્યારે ગિલે મેચના ફોટા સાથે લખ્યું કે, “રમત બોલે છે, શબ્દો નહીં…”

પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફ સહિતના બોલરો ભારતીય ઓપનરો સામે બેકફૂટ પર રહ્યા હતા. આ દરમિયાન મેદાન પર વાકયુદ્ધ પણ થયું હતું. પાકિસ્તાની ખેલાડીઓ વારંવાર અભિષેક અને ગિલને અપમાનજનક શબ્દો બોલતા જોવા મળ્યા, પરંતુ ભારતીય ઓપનરો બેટ સાથે જ નહીં, પરંતુ પોસ્ટ્સ દ્વારા પણ જવાબ આપતા જોવા મળ્યા હતા. એક સમયે અભિષેક શર્મા અને હરિસ વચ્ચે તકમક ઝરી હતી, પરંતુ અમ્પાયરની દખલગીરીથી પરિસ્થિતિ શાંત થઈ હતી. ભારતે આ જીત સાથે પાકિસ્તાન સામે પોતાનો દબદબો સાબિત કર્યો છે અને ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી મજબૂત બનાવી છે.

Exit mobile version