ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે?
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલમાં યોજાય તેવી શકયતા છે. ચૂંટણીપંચ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં કહે તેવી સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુડ્ડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ 15મી જૂનના રોજ, જ્યારે અસમમાં 20 મે, કેરલમાં 23 મે, તમિલનાડુમાં 10 મે અને પશ્ચિમ બંગાળમાં 7 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણીપંચના અધિકારીઓના પ્રવાસ શરૂ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294, અસમમાં વિધાનસભાની 126, તમિલનાડુમાં વિધાનસભાની 243 અને કેરલમાં વિધાનસભાની 140 બેઠકો ઉપર ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે.
વર્ષ 2026માં વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળમાં રાજકારણ તેજ બન્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધી ટક્કર છે. સીએમ મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી સતત ચાર વાર સત્તા મેળવવાના પ્રયાસ કરશે. જ્યારે ભાજપા બંગાળમાં પોતાની પકડ વધારે મજબુત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. કોંગ્રેસ અને ડાબેરીઓ પણ ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે. જ્યારે અસમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીજંગ જામશે. સીએમ હિમંત બિસ્વ સરમાના નેતૃત્વમાં બીજી વખત બહુમતી હાંસલ કરવાના ઈદારા સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતરશે. જ્યારે કોંગ્રેસ સત્તા વિરોધી માહોલનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
તમિલનાડુમાં રાજકીય લડાઈ ડીએમકેના નેતૃત્વવાળા સંગઠન અને એનડીએમાં સામેલ એડીએમકે વચ્ચે ચૂંટણીજંગ જામશે. ઈન્ડી ગઠબંધનમાં સામેલ સીએમ સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે સત્તામાં પરત ફરવાના પ્રયાસો કરશે. જ્યારે એઆઈડીએમકે અને ભાજપા સહિતના એનડીએના પક્ષો પણ તેમને ટક્કર આપવા કમર કસી લીધી છે. કેરલમાં સામાન્ય રીતે બે ગૃપ વચ્ચે સીધી ટક્કર થાય છે અને આ વખતે પણ તેવુ જ થાય તેવી શકયતા છે. જો કે, ભાજપા કેરળમાં પણ પોતાનો પાયો મજબુત કરવાના પ્રયાસો કરશે.


