Site icon Revoi.in

અલંગ શિપયાર્ડમાં ઈમરજન્સી ટગ રાખવાના આદેશ સામે એસો.નો ઉગ્ર વિરોધ

Social Share

ભાવનગર, 1 જુલાઈ 2026 : Association protests against DG Shipping’s order to keep emergency tug જિલ્લાના અલંગ શિપ બ્રિકિંગ યાર્ડમાં ઈમરજન્સી ટગ રાખવાના ડીજી શિપિંગના નિર્ણય સામે શિપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ખાનગી શિપ રિસાયકલર્સનું કામ માત્ર જહાજ બીચ થયા પછી તેના ડિસ્મેન્ટલિંગ પૂરતું જ સીમિત હોય છે. આવા સંજોગોમાં ટગ રાખવાનો મોટો આર્થિક બોજ ખાનગી સંસ્થાઓ પર થોપવો તે કાયદાકીય રીતે બિલકુલ અયોગ્ય છે.  

 વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને ખંભાતના અખાતમાં નેવિગેશન તેમજ પર્યાવરણીય સુરક્ષા વધારવાના એક સરકારી નિર્ણયે મોટો વિવાદ સર્જ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) દ્વારા અલંગના દરિયાકાંઠે કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે બે ઈમરજન્સી ટોઇંગ વેસલ્સ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન માટે ટગ તૈનાત રાખવાનો કડક આદેશ કરાયો છે. જો કે, ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા આ નિયમ લાગુ કરવાની તજવીજ હાથ ધરાતા જ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) આમને-સામને આવી ગયું છે અને તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

શિપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા સત્તાવાર પત્ર લખીને ઉગ્ર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોઈપણ વિદેશી જહાજ જ્યારે એન્કરેજથી પ્લોટ સુધી પહોંચે, ત્યાં સુધીની સંપૂર્ણ સુરક્ષા અને દરિયાઈ માર્ગોની જાળવણી કરવાની કાનૂની જવાબદારી પોર્ટ ઓથોરિટીની છે. આ કામગીરી માટે રિસાયકલર્સ નિયમિતપણે પોર્ટ ડ્યુઝ અને પાઇલોટેજ ચાર્જ ચૂકવે છે. ખાનગી શિપ રિસાયકલર્સનું કામ માત્ર જહાજ બીચ થયા પછી તેના ડિસ્મેન્ટલિંગ પૂરતું જ સીમિત હોય છે. આવા સંજોગોમાં ટગ રાખવાનો મોટો આર્થિક બોજ ખાનગી સંસ્થાઓ પર થોપવો તે કાયદાકીય રીતે બિલકુલ અયોગ્ય છે. જો જવાબદારીઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે તો આપત્તિ સમયે સંકલન ખોરવાઈ જવાની ભીતિ છે.

બીજી તરફ, આ ગંભીર ગતિરોધને ઉકેલવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) પણ એક્શન મોડમાં આવ્યું છે. બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન બી. એન. લાડવાએ અલંગના પોર્ટ ઓફિસરને વચગાળાનો વહેવારુ રસ્તો કાઢવા ખાસ સૂચના આપી છે. જે અંતર્ગત હવે અલંગ અને ભાવનગરના ટગ ઓપરેટર્સ, શિપિંગ એજન્ટો અને SRIA ના પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે, જેમાં ડીજી શિપિંગના સુરક્ષા નિયમો અંગે વિગતવાર સમજણ આપવામાં આવશે.

Exit mobile version