1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 
સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 

સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો 

0
Social Share

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે 22 થી 24 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાન ભારતીના ઉપક્રમે યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંમેલનમાં એસ. સોમનાથે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે યુવાન દેશનું ભવિષ્ય છે મને તેમના પ્રશ્નો ગમશે. તેમણે જણાવ્યું કે આપણે ઘણા ઉન્નત રાષ્ટ્ર હતા ૠષિઓએ બ્રહ્માંડનું સત્ય શોધ્યું. પોતાના વક્તવ્યમાં શ્રી સોમનાથે અવકાશ વિજ્ઞાનથી લઈને વર્તમાન એઆઈ વિશે પણ વાત કરી. ભારતની ઉપલબ્ધિ ગણાવતા તેમણે કહ્યું કે સ્વાધિનતા સમયે 25 કરોડથી વધુ વસ્તી હતી એની સામે આજે 140 કરોડથી વધુ છે આપણે ગરીબીનું નિયંત્રણ કરી શક્યા છીએ. એ વખતે સામાન્ય ભારતીયની સરેરાશ આયુષ્ય હતું એના કરતા આજે ઘણુ વધારે છે અને આ કોઈ નાનીસુની ઉપલબ્ધિ નથી. એક સમય હતો જ્યારે દેશમાં ટેલિવિઝન નહોતું આજે આપણને ઈન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ છે. 

આજે ભારત વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશોમાં સામેલ છે. આજે દેશ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી બને તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સંરક્ષણ ઇક્વિપમેન્ટમાં આજે આપણે નિકાસકર્તા રાષ્ટ્ર છીએ.  આજે અવકાશ ક્ષેત્ર ખુલ્લુ મુકાયુ છે, અનેક ખાનગી કંપનીઓ આવી છે ઈસરો તેમને સહાયરૂપ બને છે. આપણે બધા જ ક્ષેત્રે લીડર ન બની શકીએ પણ કેટલાંક ક્ષેત્રમાં બની શકાય છે. આવનારા 20-25 વર્ષમાં શું બદલાશે તે તરફ આપણે ધ્યાન આપવું જોઇએ.  

વિદ્યાર્થીઓને ખાસ જણાવતા તેમણે કહ્યું કે આપ વિશ્વમાં ક્યાંય પણ અભ્યાસ કરવા જાવ, ઉચ્ચતમ જ્ઞાન મેળવો, શ્રેષ્ઠ બનો પણ પરત આપણા દેશમાં આવો. દેશ માટે કાર્ય કરતા કરતા પોતાના વિકાસ માટે પણ કાર્ય કરતા રહો. આવનારા સમયમાં આપણા દેશમાં વિશ્વના દેશોમાંથી લોકો આવીને રહેવાની ઈચ્છા કરે તેવો બનાવવો છે. તમે જે ક્ષેત્રમાં સંશોધન કરો છો તે ઉત્પાદન સુધી પહોંચવું જોઈએ આપણે સંશોધન અને ઔદ્યોગિક સંપર્ક સઘન બનાવવાની આવશ્યકતા છે. આજે સરકાર નોલેજ ક્રિએશન અને તેના થકી વેલ્થ ક્રિએશન માટે સતત પ્રયત્નશીલ છે. નવી શિક્ષણ નીતિમાં અનેક પરિવર્તન આવ્યા છે જેનાથી શક્ય બનશે. 

એઆઈ વિશે જણાવતા તેમણે કહ્યું કે આવનારા સમયમાં એવુ બને કે બધુ જ એઆઈ દ્વારા સંચાલિત થતુ હોય. પરંતુ એઆઈ પાસે માનવતા અને આત્મા નથી તેથી માનવ ન બની શકે જોકે એ માનવ જેવું બને તો ખતરો છે ત્યારે આવશ્યક છે કે ટેક્નોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. 

પોતાના વક્તવ્ય બાદ એસ. સોમનાથે વિદ્યાર્થીઓ દ્વારા પુછાયેલા એઆઈ,  ઈસરો,  વિક્રમ સારાભાઈના ઈસરોના વિઝન અને વર્તમાન વિઝન, અંતિમ સત્યની શોધ, ઈસરોના અવકાશ સિવાયના ક્ષેત્રોમાં કાર્ય વગેરેને લગતા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ કાર્યક્રમમાં જીટીયુના વાઈસ ચાન્સેલર રાજુલ ગજ્જર,  વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શિવકુમાર, સાયન્સ સીટીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર જે.પી. વંદન ઉપસ્થીત રહ્યા હતા. ડૉ. ચૈતન્ય જોશી કાર્યક્રમમાં સ્વાગત તથા ડૉ. માધવી જોશી દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code