Site icon Revoi.in

બોડેલી તાલુકામાં મીની વાવાઝોડાને કારણે કેળનો પાક થયો જમીનદોસ્ત

Social Share

છોટા ઉદેપુર, 2 જુન, 2026 : Banana crop destroyed due to mini cyclone ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બોડેલી તાલુકાના જબુગામ સહિતના આસપાસના વિસ્તારોમાં કેળના પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.  વર્ષભરની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ગત મધરાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને તીવ્ર ગતિએ સુસવાટા મારતો પવન ફૂંકાયો હતો. આ મીની વાવાઝોડાનો સીધો ફટકો કેળના ખેતરો પર પડ્યો હતો. જબુગામ પંથકના અનેક ખેતરોમાં કેળના છોડ થડમાંથી જ તૂટીને જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેડૂતોના કહેવા મુજબ કેળનો પાક એકદમ તૈયાર થવાના આરે હતો અને આગામી દિવસોમાં તેનું વેચાણ કરીને કમાણી કરવાની આશા હતી. કેટલાક ખેતરોમાં કેળાની લૂમ સાથેના આખેઆખા છોડ વચમાંથી બટકી ગયા છે, જેના કારણે હવે આ પાક કોઈ કામનો રહ્યો નથી. ખેડૂતીની કાળી મજૂરી અને મોંઘા ભાવના ખાતર-બિયારણના ખર્ચે ઉછેરેલો પાક આંખના પલકારામાં નષ્ટ થઈ ગયો છે. આ પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ માગ કરી છે કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં ટીમ મોકલીને સર્વે (નુકસાનનું મૂલ્યાંકન) કરવામાં આવે. તેમજ જે ખેડૂતો સંપૂર્ણ પાયમાલ થયા છે તેમને વહેલી તકે યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Exit mobile version