
ભારત-બાંગ્લાદેશના સંબંધો વધુ મજબુત બન્યાઃ PM મોદી અને મમતા બેનર્જી માટે મોકલાવી કેરીઓ
દિલ્હીઃ પડોશી પહેલો એવુ માનતા ભારતે કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન સિવાય તમામ પડોશી દેશોને કોરોનાની રસી પુરી પાડીને મદદ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો થયો છે. દરમિયાન બાંગ્લાદેશના પ્રધાન મંત્રી શેખ હસીનાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભેટમાં 2600 કિલો કેરી મેકલી છે. બાંગ્લાદેશના અધિકારીઓના જણાવ્યા અનુસાર રંગપુર જિલ્લામાં ઉગાડવામાં આવતી હરિભંગા જાતની કેરીને બેનાપોલ ચેક પોસ્ટ મારફતે ભારતમાં મોકલી છે.
બેનાપોલ કસ્ટમ હાઉસના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકમાએ જણાવ્યું હતું કે, કેરી બંને દેશો વચ્ચેની મિત્રતાની નિશાની છે. બાંગ્લાદેશ મારફતે મોકલવામાં આવેલી કેરી કોલકતામાં બાંગ્લાદેશના ઉપ-ઉચ્ચાયોગના પ્રથમ સચિવ મહંમદ સમીઉલ કાદરે સ્વિકારી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીને મોકલવામાં આવી હતી.
સરહદ ઉપર કાર્યવાહી બાદ બાંગ્લાદેશી ટ્રક 260 કાર્ટૂનમાં કેરી લઈને સીમા પાર કરી હતી. બેનાપોલ પાલિકાના મેયર અશરફુલ આલમ લિટન સહિત અનેક બાંગલાદેશી અધિકારીઓ બોર્ડર ઉપર ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટ અનુસાર શેખ હસીનાની યોજના પૂર્વોત્તર રાજ્યો અલમ, મેઘાલય, મિજોરમ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓને પણ કેરીઓ મોકલાવવાની છે. આ રાજ્યોની સરહદો પણ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.