
બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આગામી મહિને ભારતના પ્રવાસે આવશે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવતા મહિને ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરે ચાર દિવસની ભારત મુલાકાતે આવશે. કોરોના મહામારી બાદ આ તેમની પ્રથમ દિલ્હી મુલાકાત હશે. ઢાકાના અધિકારીઓની એક ટીમ શેખ હસીનાની મુલાકાતને લઈને જરૂરી પ્રોટોકોલ પર ચર્ચા કરવા માટે ભારત પહોંચી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શેખ હસીના 5 થી 8 સપ્ટેમ્બર સુધી ભારતમાં રોકાણ કરશે. તેઓ જયપુર અને અજમેર શરીફ જશે. જો કે આ પહેલા તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની સંભાવના છે. આ દરમિયાન બંને નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી બાંગ્લાદેશથી ભારત સુધીના ‘ફ્રીડમ રોડ’નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન પણ કરી શકે છે. 6 સપ્ટેમ્બરે બંને દેશોના નેતાઓ વચ્ચે વેપાર, કનેક્ટિવિટી અને સંરક્ષણ સંબંધોને લઈને દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. આ દરમિયાન બોર્ડર મેનેજમેન્ટ અને રિવર શેરિંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. હકીકતમાં વડાપ્રધાન શેખ હસીના છેલ્લે 2019માં ભારત આવ્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે સુધર્યાં છે. એટલું જ નહીં પડોશી પ્રથમને માનતા ભારતે કોરોના મહામારી દરમિયાન કોરોનાની રસી બાંગ્લાદેશ મોકલી હતી.