Site icon Revoi.in

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમના અધિકારીઓએ અશ્લિલ અયોગ્ય પ્રસ્તાવ મુક્યો હોવાનો મહિલા ખેલાડીનો દાવો

Social Share

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટમાં એક મોટો વિવાદ સર્જાયો છે. ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે વર્ષો સુધી ચાલતા મૌનને તોડીને ચોંકાવનારો ઘટસ્ફોટ છે, જેના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)માં ખળભળાટ મચી ગયો છે. જહાનારાનો આરોપ છે કે, ટીમ મેનેજમેન્ટના કેટલાક સભ્યો વર્ષોથી તેમના સાથે અપમાનજનક વર્તન, અયોગ્ય પ્રસ્તાવ અને માનસિક ત્રાસ આપતા હતા.

જહાનારાએ જણાવ્યું કે, 2022ની મહિલા વર્લ્ડ કપ દરમિયાન તેમને ટીમના એક અધિકારીએ અશ્લીલ પ્રસ્તાવ આપ્યો હતો. તેમના કહેવા મુજબ, પૂર્વ ચયનકર્તા અને ટીમ મેનેજર મંજુરુલ ઇસ્લામે તેમને “કરીયરમાં આગળ વધારવાના બદલે વ્યક્તિગત ઉપકાર” માંગવાનો પ્રયાસ કર્યો હતો. જહાનારાએ કહ્યું, “અમે ખેલાડીઓ છીએ, પરંતુ જ્યારે આપણા જ સંગઠનના લોકો આપણને અસુરક્ષિત અનુભવું કરાવે, ત્યારે અવાજ ઉઠાવવો મુશ્કેલ બને છે.”

જહાનારાએ વધુ એક ખુલાસો કરતાં જણાવ્યું કે BCBના મૃત્યુ પામેલા અધિકારી તૌહીદ મહમુદે પણ તેમના પ્રત્યે અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તૌહીદે BCBના કર્મચારી સરફરાઝ બાબુ મારફતે તેમને અયોગ્ય પ્રસ્તાવ મોકલાવ્યો હતો. “જ્યારે મેં આવા પ્રસ્તાવો નકારી દીધા, ત્યારથી મારું શોષણ શરૂ થયું  મને અપમાનિત કરવામાં આવી, અપશબ્દો કહેવામાં આવ્યા અને ટીમમાં મને એકલવાયી બનાવી દેવામાં આવી,” એમ તેમણે જણાવ્યું હતું.

જહાનારાએ ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ દરમિયાનની એક ઘટનાનું પણ વર્ણન કર્યું, જેમાં મંજુરુલ ઇસ્લામે તેમના ખભા પર હાથ મૂકવાનો અને ગળે મળતી વખતે અયોગ્ય રીતે નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો. “અમે બધા જ તેમના સંપર્કથી દૂર રહેવાની કોશિશ કરતા હતા. તેમણે તો પિરિયડ્સ વિશે પણ અશ્લીલ ટિપ્પણી કરી હતી,” એમ તેમણે જણાવ્યું હતું.

જહાનારાએ અંતમાં કહ્યું, “મેં ઘણું સહન કર્યું, પરંતુ હવે સત્ય બોલવાનો સમય છે. મારી ઇચ્છા છે કે ભવિષ્યમાં કોઈ પણ મહિલા ખેલાડી આવી સ્થિતિમાં મૌન ન રહે. ક્રિકેટનું મેદાન મહિલાઓ માટે સુરક્ષિત હોવું જોઈએ.”

આક્ષેપો સામે મંજુરુલ ઇસ્લામ અને સરફરાઝ બાબુએ તમામ દાવાઓને બિનઆધારભૂત ગણાવ્યા છે. મંજુરુલે જણાવ્યું, “આ દાવાઓ ખૂબ જ દુઃખદ છે. મારી વિરુદ્ધના આક્ષેપોમાં કોઈ સત્ય નથી.” હાલ BCBના ઉપાધ્યક્ષ શકાવત હુસૈને જણાવ્યું છે કે આ ફરિયાદો ગંભીર છે અને જરૂર જણાશે તો સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવશે.