નવી દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વરસાદ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી નકલી આધારકાર્ડ અને મતદાર કાર્ડ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મહિલા પાસેથી બાંગ્લાદેશના પણ કેટલાક પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે મહિલાની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતાના જાદવપુરથી એક 28 વર્ષની બાંગ્લાદેશી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક્ટ્રેસનું નામ શાંતા પૉલ છે અને તે અનેક વર્ષોથી પોતાની ઓળખ સંતાડીને ભારતમાં રહેતી હતી. તેની પાસે નકલી આધાર કાર્ડ અને મતદાર કાર્ડ પણ હતું. આ એક્ટ્રેસ બાંગ્લાદેશની અનેક મૉડલિંગ સ્પર્ધા જીતી ચુકી છે. 2023થી તે જાધવપુરના વિજયગઢમાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. શાંતા પૉલના મકાનમાં તપાસ દરમિયાન અનેક બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં બાંગ્લાદેશી સેકન્ડરી એગ્ઝામિનેશનનું એડમિટ કાર્ડ, બાંગ્લાદેશ એરલાઇનની આઈડીનો સમાવેશ થાય છે. આ સિવાય એક્ટ્રેસ પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે. જેમાંથી એકમાં કોલકાતા તો બીજામાં બર્ધમાનનું સરનામું લખેલું છે. પોલીસનું કહેવું છે કે, બર્ધમાનવાળું આધાર કાર્ડ 2020માં બનાવવામાં આવ્યું હતું.
હાલમાં જ પૉલે થાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અલગ સરનામું નોંધાવ્યું હતું. શાંતા પૉલ અવારનવાર પોતાનું સરનામું બદલતી રહેતી હતી. વળી, શાંતાનો એપ બેઝ્ડ કેપ બિઝનેસ પણ હતો. જેના કારણે તેની શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને આવી. પોલીસે જણાવ્યું કે, શાંતા પૉલે ભારતીય આઇડી કાર્ડને લઈને કોઈ સંતોષકારક જવાબ નથી આવ્યો. એવી આશંકા છે કે, તેની પાછળ એક મોટું રેકેટ હોય શકે છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી હતી.