1. Home
  2. ગુજરાતી
  3. સાંસદ થઈને ઈંડાથી ડરો છે, TMC ના સાંસદ મોઈત્રાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટની ટકોર
સાંસદ થઈને ઈંડાથી ડરો છે, TMC ના સાંસદ મોઈત્રાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટની ટકોર

સાંસદ થઈને ઈંડાથી ડરો છે, TMC ના સાંસદ મોઈત્રાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટની ટકોર

0
Social Share

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: સુપ્રીમ કોર્ટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની એક અરજી પર સુનાવણી કરતા આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, “તમે સાંસદ છો, રાજકારણમાં આવ્યા પછી પણ તમને ઈંડાથી ડર લાગે છે? જ્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ છાતી પર ગોળીઓ ઝીલી હતી. આવી અરજીઓ આ અદાલત સમક્ષ આવવી જ ન જોઈએ.” સુપ્રીમ કોર્ટે ફેસબુક પોસ્ટ સાથે જોડાયેલા કેસમાં દાખલ એફઆઈઆર રદ કરવાની માંગ કરતી અરજી પર મહુઆ મોઇત્રાને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચે મોઇત્રાની એ આશંકાને ફગાવી દીધી હતી કે પોલીસ સ્ટેશન જવા પર તેમના પર ઈંડા ફેંકી શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂન મહિનામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા બે વીડિયોમાં મહુઆ મોઇત્રાની ટિપ્પણીઓને લઈને ભાજપના એક નેતાની ફરિયાદ પર તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ત્યારે નોંધાયો જ્યારે ભાજપના સમર્થકો કથિત રીતે કૃષ્ણાનગરની એક કોર્ટની બહાર તેમના પર ઈંડા અને ટમેટા ફેંકવા માટે એકઠા થયા હતા. ગત મહિને હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાની માંગ કરતી મોઇત્રાની અરજી પર તેમને વચગાળાની સુરક્ષા આપી હતી, જોકે કોર્ટે તેમને 14 ઓગસ્ટે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

  • ફેસબુક પોસ્ટના કારણે થયો હતો કેસ

સુપ્રીમ કોર્ટમાં મોઇત્રા તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે એક ફેસબુક પોસ્ટના કારણે તેમની સામે કેસ દાખલ થયો છે અને તેમને વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાની મંજૂરી મળવી જોઈએ. આના પર સવાલ ઉઠાવતા કોર્ટે પૂછ્યું, “વર્ચ્યુઅલી કેમ? શું એટલા માટે કે તમે સાંસદ છો?” વકીલે જવાબ આપ્યો કે તેમને ડર છે કે જો તેઓ પોલીસ સમક્ષ શારીરિક રીતે (ફિઝિકલી) હાજર થશે, તો ભીડ તેમના પર હુમલો કરી શકે છે અને અગાઉ પણ તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જોકે, કોર્ટ આ દલીલથી સહમત થઈ ન હતી અને જણાવ્યું કે, કલકત્તા હાઈકોર્ટે અગાઉ જ તેમને તપાસ એજન્સીને સહયોગ કરવા કહ્યું છે. આખરે, વકીલે અરજી પાછી ખેંચી લેવાની વિનંતી કરી હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code