Site icon Revoi.in

સુરતમાં જ્વેલ્સના કારખાનામાં બંગાળી કારીગર 30 લાખનું સોનું-હીરા ચોરીને પલાયન

Social Share

સુરત, 29 જુન, 2026 : Bengali craftsman steals gold and diamonds and flees શહેરના મહીધરપુરા વિસ્તારમાં ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ નામના કારખાનામાં કામ કરતો એક બંગાળી કારીગર અંદાજે રૂપિયા 30.42 લાખની કિંમતનું સોનું અને હીરા ચોરીને 30 સેકન્ડમાં પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે મહીધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માઇતી શહેરમાં મહીધરપુરામાં સોના અને હીરાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 16 જૂનના રોજ રાત્રે કારખાનાના મેનેજર સુદીપકુમાર દાસ નિયત સમયે નીકળી ગયા હતા, જેથી કારીગર સંજીબ સાધ્ય ઉર્ફે બપન (રહે. હુગલી, પશ્ચિમ બંગાળ) સોનું અને હીરા પોતાના લોકરમાં મૂકીને ગયો હતો. બીજા દિવસે સવારે 8.17 વાગ્યે મેનેજરે આવીને સંજીબને તેના લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા કહ્યું હતું. ત્યારબાદ મેનેજર કોઈ કામ અર્થે ઉપરના માળે ગયા હતા. દરમિયાન સંજીબ 30 સેકન્ડમાં જ સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયો હતો. મેનેજર માત્ર 10 જ મિનિટમાં જ્યારે તેઓ નીચે આવ્યા, ત્યારે સંજીબ ત્યાંથી ગાયબ હતો. તેના ટેબલ અને લોકરની તપાસ કરતા સોનું અને હીરા પણ ગાયબ મળ્યા હતા.

મેનેજરે તાત્કાલિક કારીગર સંજીબને ફોન કર્યો, પરંતુ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. વેપારી પ્રદીપકુમારે કારખાને દોડી આવી હિસાબ ચેક કરતા માલુમ પડ્યું હતું કે, આરોપી સંજીબ અલગ-અલગ વેપારીઓના ઓર્ડરનું કુલ 111.565 ગ્રામ સોનું (કિંમત ₹11,65,540) અને 62.38 કેરેટના કિંમતી હીરા (કિંમત ₹18,76,476) મળીને કુલ ₹30,42,016ની મત્તા ચોરી કરી નાસી ગયો છે. જેમાં જીઆઈએ (GIA) સર્ટિફિકેટ વાળા હીરા અને કિંમતી બ્રેસલેટ-બંગડીઓનો સમાવેશ થાય છે. વેપારીએ કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં કારીગર સંજીબ સાધ્ય માલસામાનની ચોરી કરીને ભાગતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે, સંજીબ અગાઉ પણ તેમના ત્યાં પાંચ વર્ષ કામ કરી ચૂક્યો હતો અને પોતાના વતન તરફનો હોવાથી તેના પર ભરોસો રાખીને જ 15 દિવસ પહેલા 2 જૂનના રોજ ₹25,000ના માસિક પગાર પર ફરી નોકરીએ રાખવામાં આવ્યો હતો. આ જૂનો ભરોસો જ વેપારીને ભારે પડ્યો છે.

શહેરના મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયેલા આરોપી કારીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમેશભાઈ વી. વસાવા ચલાવી રહ્યા છે.

Exit mobile version