રેલવેની મોટી નિષ્ફળતા! ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ગયા વર્ષે 2.7 કરોડ મુસાફરો નથી કરી શક્યા મુસાફરી
દિલ્હી : દેશમાં વ્યસ્ત રૂટ પર ટ્રેનની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગત નાણાકીય વર્ષમાં કુલ 2.7 કરોડ મુસાફરોને વેઇટિંગ ક્લાસ ટિકિટના કારણે મુસાફરી કરવાની તક મળી ન હતી. માહિતી અધિકાર (RTI) અરજી હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં વેઇટિંગ ક્લાસની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે કુલ 2.7 કરોડ લોકો મુસાફરી કરી શક્યા ન હતા.
નાણાકીય વર્ષ 2021-22માં આવા મુસાફરોની સંખ્યા 1.65 કરોડ હતી. મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે વેઈટિંગ ક્લાસની ટિકિટ વિશે માહિતી માંગતી આરટીઆઈ અરજી દાખલ કરી હતી. આના જવાબમાં, રેલ્વે બોર્ડે કહ્યું છે કે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, PNRમાંથી જારી કરાયેલી કુલ 1.76 કરોડ ટિકિટો કન્ફર્મ ન થવાને કારણે આપમેળે રદ થઈ ગઈ હતી. જેના કારણે 2.72 કરોડ લોકો રેલ મુસાફરીથી વંચિત રહ્યા.
જો કે PNR કેન્સલ થતાંની સાથે જ રેલવે પેસેન્જરને તે ટિકિટની કિંમત રિફંડ કરી દે છે, પરંતુ ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે મુસાફરોને પડતી અસુવિધા એક મોટી સમસ્યા છે. વર્ષ 2014-15માં 1.13 PNR રદ કરવામાં આવ્યા હતા જ્યારે 2015-16માં આ આંકડો 81.05 લાખ હતો.
નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18માં આ સંખ્યા અનુક્રમે 72.13 લાખ અને 73 લાખ હતી. વર્ષ 2018-19માં આ સંખ્યા ઘટીને 68.97 લાખ થઈ ગઈ હતી. જો કે, રોગચાળાથી પ્રભાવિત નાણાકીય વર્ષ 2020-21માં આ સંખ્યા ઘટીને 38.89 લાખ થઈ હતી, પરંતુ આ એટલા માટે હતું કારણ કે રોગચાળાને કારણે લાંબા સમયથી ટ્રેનોનું સંચાલન અટકી ગયું હતું. જોકે, રેલવેનું કહેવું છે કે તે લોકોની માંગ પર ટ્રેનની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આનાથી વેઇટિંગ ક્લાસની ટિકિટો રદ થવાની શક્યતા ઘટી જશે.