Homeગુજરાતીદેશ-વિદેશદિવાળી પહેલાં UPI યુઝર્સને મોટી રાહત: MDR ચાર્જ લાગુ કરવાનો નિર્ણય મોકૂફ

દિવાળી પહેલાં UPI યુઝર્સને મોટી રાહત: MDR ચાર્જ લાગુ કરવાનો નિર્ણય મોકૂફ

નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2026: ડિજિટલ પેમેન્ટ કરનારા કરોડો નાગરિકો માટે એક મોટા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા આગામી 15 ઓક્ટોબર 2026થી યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)ના નવા નિયમો લાગુ થવાના હતા, જેને હવે દિવાળી સુધી એટલે કે આગામી સમય સુધી આગળ વધારી દેવામાં આવ્યા છે. એનપીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે હાલ પૂરતું યુપીઆઈ પર કોઈ નવો ચાર્જ લાગુ કરવામાં આવશે નહીં.

અગાઉ એવી તૈયારી હતી કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ વસૂલવામાં આવી શકે છે, જેને આ જ સપ્તાહથી અમલમાં મૂકવાનો હતો. પરંતુ, તહેવારોની મોસમ અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ યોજનાને હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. નવી તારીખ અંગેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી મર્ચન્ટ એસોસિએશનો અને ફિનટેક કંપનીઓ તરફથી આ નવા ચાર્જનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. વેપારીઓનું માનવું હતું કે તહેવારોની આ સિઝનમાં જો વધારાનો ચાર્જ લાગુ થાય તો તેની સીધી અસર વેપાર અને ગ્રાહકોની ખરીદી પર પડી શકે છે. બજારમાં પહેલેથી જ મોંઘવારીનું દબાણ છે, ત્યારે જો વ્યાપારીઓ પર MDRનો બોજ વધે તો આ ખર્ચ અંતે તો ગ્રાહકોના માથે જ આવીને પડે. આ જ તમામ ચિંતાઓને ધ્યાનમાં રાખીને એનપીસીઆઈએ પોતાના પગલાં પાછાં ખેંચી લીધા છે. નાણાં મંત્રાલય દ્વારા પણ અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ મામલે તમામ હિસ્સેદારો પરસ્પર ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેશે.

પ્રસ્તાવ મુજબ બે હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆર લાગવાની વાત હતી. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક યુપીઆઈ દ્વારા 10 હજારનું પેમેન્ટ કરે, તો નિયમ મુજબ મર્ચન્ટે પ્રોસેસિંગ ફી પેટે 40 રૂપિયા ચૂકવવા પડે. દેશમાં કાર્ડ પેમેન્ટ માટેના નિયમો અને ટર્મિનલ્સ મર્યાદિત (આશરે 1.1 કરોડ) છે, જ્યારે યુપીઆઈનો વ્યાપ ખૂબ જ મોટો છે.

દેશભરમાં નાના-મોટા અંદાજે 10 કરોડથી વધુ મર્ચન્ટ્સ યુપીઆઈ થકી પેમેન્ટ સ્વીકારે છે. યુપીઆઈમાં અલગ-અલગ કેટેગરી માટે ચાર્જના નિયમો વધુ જટિલ હોવાથી તેને લાગુ કરતા પહેલા વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે. હાલ પૂરતું દિવાળીના આ તહેવારો દરમિયાન યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણપણે મફત જ રહેશે અને ગ્રાહકો કે વેપારીઓએ કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular