Site icon Revoi.in

બિહાર ચૂંટણીઃ નીતિશ કુમાર અને લાલુ પરિવાર સહિતના આગેવાનોએ કર્યું મતદાન

Social Share

પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર હાલ શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ સહિતના આગેવાનોએ મતદાન કરીને મતદારોને કરવાની અપીલ કરી હતી.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બખ્તિયારપુરા સ્થિત મતદાન કેન્દ્ર પર સવારે જ મુખ્યમંત્રી નીતિશ કુમારે મતદાન કર્યું હતું. તેમણે મતદાનને લઈને ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ ઉપરાંત લાલુ પ્રસાદ યાદવના પરિવારે પણ મતદાન કર્યું હતું. લાલુ પ્રસાદની સાથે તેમના પત્ની અને પૂર્વ સીએમ રાબડી દેવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમના પત્ની રાજશ્રી, બહેન મીસા ભારતી પણ મતદાન કર્યું હતું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “લોકશાહીમાં મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નથી, પણ આપણી જવાબદારી પણ છે.

આજે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બધા મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. મતદાન કરો અને બીજાઓને પણ પ્રેરણા આપો. પહેલા મતદાન કરો, પછી જલપાન કરજો!” આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, “હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું… બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની 121 બેઠકો ઉપર એનડીએ અને મહાગઠબંધનના અનેક નેતાઓ ઉપર ચૂંટણી લડી રહ્યાં છે. આ નેતાઓના ભાવીનો 3.25 જેટલા મતદારો નિર્ણય કરશે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ નક્કી થશે. આમાં ભાજપના 11 અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ ક્વોટામાંથી સિવાનથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે, બાંકીપુરથી નીતિન નવીન, તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, દરભંગાથી શહેરી વિકાસ મંત્રી જીવેશ મિશ્રા, દરભંગા શહેરીથી મહેસૂલ મંત્રી સંજય સરોગી, કુઢની પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, સાહિબગંજથી પર્યટન મંત્રી રાજુ કુમાર, અમનૌરથી માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, બિહાર શરીફથી પર્યાવરણ મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતા ચૂંટણી લડી રહ્યા છે.

JDUના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી (સરાય રંજન), નાલંદાથી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, બહાદુરપુરથી સમાજ કલ્યાણ મંત્રી મદન સહની, કલ્યાણપુરથી માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી અને સોનબરસાથી રત્નેશ સદાનો સમાવેશ થાય છે.