Site icon Revoi.in

આણંદના ભાલેજ રોડ પર કન્ટેનરની અડફેટે બાઈકસાવર દંપત્તીનું મોત

Social Share

આણંદ, 22 જાન્યુઆરી 2026:  જિલ્લાના ભાલેજ-લીંગડા રોડ પર પૂરઝડપે આવતા કન્ટેનરના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક આધેડ પર કન્ટેનરનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પત્નીએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ  ઠાસરા તાલુકાના ભરથરી ગામે રહેતા વિક્રમભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. 56)ની દીકરી સગુણાબેનને આણંદની હોસ્પિટલમાં પુત્રનો જન્મ થયો હતો. આ ખુશીના સમાચાર મળતા વિક્રમભાઈ અને તેમના પત્ની વનિતાબેન સવારે પોતાનું બાઈક લઈને દીકરીની અને નવજાત પૌત્રની ખબર કાઢવા આણંદ જવા નીકળ્યા હતા. ત્યારે બપોરે 3.૦૦ વાગ્યાના સુમારે જ્યારે દંપતી ભાલેજથી લીંગડા તરફ જઈ રહ્યું હતું, ત્યારે જાખલા ગામની સીમમાં ભાવના સિમેન્ટ આર્ટિકલ્સ પાસે પાછળથી આવતા કન્ટેનરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વિક્રમભાઈ રોડ પર પટકાયા હતા અને કન્ટેનરનું ટાયર તેમના શરીર પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત મોત નીપજ્યું હતું. તેમના પત્ની વનિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે આણંદની ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન સાંજે તેમણે પણ દમ તોડયો હતો. આ મામલે મૃતકના નાના ભાઈ દશરથભાઈ કાળાભાઈ રાઠોડે ભાલેજ પોલીસ સ્ટેશનમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version