સિંધુ જળ કરાર પર બિલાવલ ભુટ્ટોએ ભારતને આપી ધમકી,પાણી રોકશો તો જડબાતોડ જવાબ આપીશું
નવી દિલ્હી, 19 જૂન 2026: સિંધુ જળ કરાર મુદ્દે વૈશ્વિક મંચો પર ભારત સામે કરગરતું પાકિસ્તાન હવે ફરી એકવાર પોતાની જૂની આદત મુજબ ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની દલીલોને ફગાવી દેતા ભારતે દુનિયા સમક્ષ બે ટૂક સંદેશ આપ્યો હતો કે, “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” જો પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી જોઈતું હોય, તો તેણે સરહદ પારથી ફેલાવવામાં આવતો આતંકવાદ પહેલા સંપૂર્ણપણે બંધ કરવો પડશે. ભારતના આ કડક વલણથી પાકિસ્તાનના તમામ પેંતરા નિષ્ફળ જતાં હવે તે ભારતને ગીધડધમકી આપી રહ્યું છે કે, જો પાણી રોકવાનો પ્રયાસ થશે તો ઇસ્લામાબાદ જવાબ આપવા તૈયાર છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કરી દીધો હતો. આ ઘટનાના આશરે 14 મહિના બાદ હવે પાકિસ્તાન ધમકીઓ પર ઉતરી આવ્યું છે. શાહબાઝ શરીફ સરકારમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં બોલતા ભારત પર પાણી રોકવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, “અમે નદીઓના પાણીમાં અમારા વાજબી હિસ્સા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. પાકિસ્તાન પોતાના અધિકારો માટે લડશે અને પાણીનો પ્રવાહ રોકવાના કોઈપણ પ્રયાસનો મજબૂતીથી સામનો કરવામાં આવશે.”
ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અગાઉ પણ નદીઓમાં લોહી વહાવવા જેવા વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ગત વર્ષે એપ્રિલમાં થયેલા ગંભીર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લીધા હતા, જેમાં 1960 ના સિંધુ જળ કરારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ સામેલ હતો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે જળ સંકટ અને દુષ્કાળનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના કારણે ઇસ્લામાબાદ આકળવિકળ થયું છે અને ભારતની આ આર્થિક-રાજદ્વારી કાર્યવાહીને ‘યુદ્ધ સમાન’ ગણાવી રહ્યું છે.
-
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતે વૈશ્વિક મંચ પર વારંવાર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશરો અને તાલીમ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ કરાર બહાલ કરવામાં આવશે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય સ્થાયી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંહે UNSCના ૬૨મા સત્રમાં બોલતા સાફ કહી દીધું છે કે નવી દિલ્હી પોતાના વલણ પર મક્કમ છે. 1960 માં થયેલા આ કરારને હંમેશા માટે મળેલો એવો કોઈ અબાધિત અધિકાર ન માની શકાય, જે આજની વાસ્તવિકતા અને જવાબદારીથી તદ્દન દૂર હોય.
પાકિસ્તાને યુરોપિયન દેશો સામે જઈને પણ આ મુદ્દે પોતાનો કકળાટ ચાલુ રાખ્યો છે. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં પાકિસ્તાની હાઈ કમિશન અને યુરોપિયન થિંક ટેન્ક દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત પર આકરા પ્રહારો કર્યા હતા. ઇશાક ડારે જણાવ્યું કે, સિંધુ જળ કરાર સ્થગિત કર્યા બાદ ભારત હવે સાવલકોટ, કિર્થાઈ અને ક્વાર જેવા નવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ સાથે જ બગલિહાર અને સલાલ જેવા વર્તમાન પ્રોજેક્ટ્સના વિસ્તરણ દ્વારા ભારત સિંધુ, ચિનાબ અને રાવી નદીઓની ધારા બદલી રહ્યું છે, જેનાથી જળ સંસાધનો પર ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત થઈ જશે અને પાકિસ્તાન તરસ્યું મરી જશે.


