સુરત, 22 એપ્રિલ 2026: BJP candidates and leaders were pushed and thrown out by people સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક સ્થળોએ ભાજપના ઉમેદવારોને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતના રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને સ્થાનિક રહિશોએ ગો બેકના નારા સાથે હાંકી કાઢ્યા હતા. દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.
સુરત મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પ્રજાના અસંતોષનો સામનો કરી રહી છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ થયો ન હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે ભારે રોષ છે. વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતા જ સ્થાનિક મહિલાઓએ કાળાં કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિરે ભલે દર્શન કરવા આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં.
શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં ઉમેદવાર સાથે ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા. જોકે, મહિલાઓએ આ નેતાઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને હવે મતો માંગવા આવી ગયા છો. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગો બેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા હતા. આ સમયે ઉમેદવારના કેટલાક ટેકેદારોએ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. સ્થાનિકો સાથે થયેલી આ ઝપાઝપી બાદ મામલો ગંભીર બનતા તાત્કાલિક પોલીસ કાફલો બોલાવાયો હતો. જોકે, પોલીસની હાજરીમાં પણ લોકોનો આક્રોશ શમ્યો નહોતો અને તેઓએ નેતાઓને દૂર સુધી ધકેલી દીધા હતા. અંતે બીજા પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી ત્યારે માંડ મામલો થાળે પડ્યો હતો. એક સમયે ભાજપનો અજેય ગઢ ગણાતા આ વિસ્તારમાં નેતાઓની જે હાલત થઈ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને પગલે ભાજપ માટે અહીં સ્થિતિ કફોડી બની છે.

