1. Home
  2. ગુજરાતી
  3. બંગાળમાં BJP સરકારનું પ્રથમ બજેટ રજૂ, 1 લાખ સરકારી નોકરીઓ અને DAમાં 20% નો વધારો
બંગાળમાં BJP સરકારનું પ્રથમ બજેટ રજૂ, 1 લાખ સરકારી નોકરીઓ અને DAમાં 20% નો વધારો

બંગાળમાં BJP સરકારનું પ્રથમ બજેટ રજૂ, 1 લાખ સરકારી નોકરીઓ અને DAમાં 20% નો વધારો

0
Social Share

કોલકાતા, 22 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલી નવી ભાજપ સરકારે સોમવારે (22 જૂન) વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે પોતાનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી સરકારે પોતાના પ્રથમ બજેટમાં જ રાજ્યના યુવાઓ, મહિલાઓ અને સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે ખજાનો ખોલી દીધો છે. નાણામંત્રી સ્વપન દાસગુપ્તા દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં 1 લાખ સરકારી નોકરીઓથી લઈને મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને મોંઘવારી ભથ્થામાં 20 ટકાના વધારા સહિત અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.

બજેટ રજૂ કરતા પહેલા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ પૂજા-અર્ચના કરી હતી. આ બજેટ સત્રની ખાસ વાત એ રહી કે બજેટ દસ્તાવેજ પરંપરાગત બંગાળી સાદડી અને શણમાંથી બનાવેલી ફાઇલમાં વિધાનસભામાં લાવવામાં આવ્યો હતો. તેને રાજ્યની સાંસ્કૃતિક ઓળખ અને સ્થાનિક હસ્તકળાને પ્રોત્સાહન આપવાના પ્રતીક રૂપે જોવામાં આવી રહ્યો છે. બજેટ ભાષણની શરૂઆતમાં જ નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે ગૃહમાં જણાવ્યું કે રાજ્ય પર હાલમાં 8 લાખ 55 હજાર કરોડ રૂપિયાનું તોતિંગ દેવું છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આર્થિક બોજ હોવા છતાં રાજ્યમાં ચાલી રહેલી તમામ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓ રોકવામાં નહીં આવે અને તે સંપૂર્ણપણે યથાવત રહેશે.

  • મમતાના ‘નેરેટિવ’ને પડકાર: 1 લાખ નોકરીઓ અને મહિલાઓને 33 ટકા અનામત

શુભેન્દુ સરકારે રાજ્યમાં રોજગારીની તકો વધારવા માટે 1 લાખ ખાલી જગ્યાઓ પર સત્વરે ભરતી કરવાની જાહેરાત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે મહિલા સશક્તિકરણને વેગ આપવા આ 1 લાખ સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત મહિલાઓ માટે નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ણયને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ‘મહિલા કલ્યાણ’ ના લાંબા સમયથી ચાલી આવતા રાજકીય નેરેટિવને સીધો પડકાર આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ભાજપ સરકાર હવે માત્ર કલ્યાણકારી સહાય પૂરતી સીમિત ન રહેતા, નોકરીઓમાં અનામત આપીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ તરફ મજબૂત કદમ ઉઠાવી રહી છે.

બજેટની સૌથી મોટી જાહેરાતોમાં રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ભેટ સામેલ છે. સરકારે ડીએમાં સીધો 20 ટકાનો જંગી વધારો કર્યો છે, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ જશે. નાણામંત્રીએ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે આ નવો વધારો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. આ ઉપરાંત, રાજ્ય પરિવહન નિગમના બસ કંડક્ટરોના વેતનમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી હજારો કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે.

  • ફ્રી બસ, પત્રકારોને પેન્શન અને વહીવટી ફેરફારોની મોટી જાહેરાત

બજેટમાં ગ્રામીણ વિકાસ અને અન્ય માળખાગત સુવિધાઓ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવી સરકારે ગ્રામીણ વિકાસ માટે જીઆરએએમજી યોજના હેઠળ બજેટમાં રૂ. 14,000 કરોડની માતબર જોગવાઈ કરી છે. મહિલાઓ માટે મફત બસ સેવા ચાલુ રાખવા માટે રૂ. 550 કરોડની ફાળવણી કરાઈ છે અને આ સુવિધાનો વિનામૂલ્યે લાભ આપવા માટે સરકાર દ્વારા ખાસ ‘પિંક કાર્ડ’ ઈશ્યૂ કરવામાં આવશે. આ સાથે ગરીબો માટે અન્નપૂર્ણા યોજના હેઠળ વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે. સમાજના વિવિધ વર્ગોને સાંકળવાના પ્રયાસરૂપે નિવૃત્ત પત્રકારોને દર મહિને રૂ. 5,000 નું પેન્શન આપવાની પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં ભ્રષ્ટાચાર ડામવા અને પારદર્શિતા લાવવા માટે સરકારે નક્કી કર્યું છે કે રાજ્યની તમામ ખાણોની હરાજી હવેથી કેન્દ્ર સરકારની ઈ-ઓક્શન સિસ્ટમ મારફતે જ કરવામાં આવશે. વહીવટી સરળતા માટે કાંથીને નવો પોલીસ જિલ્લો અને ગોપીબલ્લભપુરને નવો સબ-ડિવિઝન બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. તેમજ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં નવા ફાયર બ્રિગેડ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ પોતાના ભાષણના અંતે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘અમે એક ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા વિકસિત કરવા માંગીએ છીએ.’ નવી ભાજપ સરકારનું મુખ્ય લક્ષ્ય ભવિષ્ય માટે તૈયાર અને એક ‘વિકસિત બંગાળ’ બનાવવાનું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code