વેગન ડિઝાઇન પોલિસીમાં મોટા સુધારા લાગુ કરવાનો રેલવે બોર્ડનો નિર્ણય
નવી દિલ્હી, 25 જૂન 2026: પ્રધાનમંત્રીએ સતત એ બાબત પર ભાર મૂક્યો છે કે દેશના માલસામાનના પરિવહનનો મોટો હિસ્સો રેલવે દ્વારા થવો જોઈએ, કારણ કે તે પરિવહનનું વધુ પર્યાવરણ-અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ માધ્યમ છે. ભારતીય રેલવે 100 ટકા ઇલેક્ટ્રિફિકેશનની નજીક પહોંચવા સાથે, રેલ-આધારિત માલસામાનની અવરજવરમાં થયેલા વધારાએ દેશની આયાતી ડીઝલ પરની નિર્ભરતા ઘટાડી છે અને પર્યાવરણીય ટકાઉપણાંને પણ પ્રોત્સાહન આપ્યું છે.
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ભારતીય રેલવેને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ માટે માલસામાન પરિવહનનું પસંદગીનું માધ્યમ બનાવવાના ઉદ્દેશ્યવાળા સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન રેલવે રાજ્ય મંત્રી વી. સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટુ, આરડીએસઓના ડાયરેક્ટર જનરલ, રેલવે બોર્ડના સભ્યો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દિશામાં, ભારતીય રેલવે વિવિધ ઉદ્યોગો, વેપાર સંસ્થાઓ અને રેલ પરિવહન માટે નોંધપાત્ર સંભાવનાઓ ધરાવતી ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા મોટા ફ્રેટ કસ્ટમર્સ સાથે વ્યાપક પરામર્શ કરી રહી છે. આ ચર્ચાઓ દરમિયાન, ઉદ્યોગના પ્રતિનિધિઓએ સૂચવ્યું હતું કે જો વેગનની ડિઝાઇનને વિવિધ ચીજવસ્તુઓની ચોક્કસ હેન્ડલિંગ, લોડિંગ, અનલોડિંગ અને પરિવહનની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે, તો રેલ પરિવહનને વધુ વ્યાપક પાયા પર અપનાવી શકાય છે.
-
રેલ લોજિસ્ટિક્સનું આકર્ષણ વધ્યું
બેઠકમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે સિમેન્ટ અને મીઠું જેવી ચીજવસ્તુઓ માટે તાજેતરમાં વિકસાવવામાં આવેલા વિશિષ્ટ વેગનની સફળતાએ ઉદ્યોગની કાર્યકારી જરૂરિયાતો અનુસાર વેગન ડિઝાઇન કરવાના મહત્વને સાબિત કર્યું છે. ચીજવસ્તુ આધારિત વેગનોએ લોડિંગ, અનલોડિંગ અને પરિવહનની કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે, જેનાથી રેલ લોજિસ્ટિક્સનું આકર્ષણ વધ્યું છે.
આ સંદર્ભમાં, ભારતીય રેલવેએ હાલની વેગન ડિઝાઇન પોલિસીમાં વ્યાપક સુધારા કરવાનો નિર્ણય લીધો છે. વિવિધ ચીજવસ્તુઓની જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ વેગનના વિકાસ માટે ઉદ્યોગ-અનુકૂળ માળખું પૂરું પાડવા માટે, 15 દિવસની અંદર નવી વેગન ડિઝાઇન પોલિસીને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ડિઝાઇન મંજૂરી અને પ્રોટોટાઇપ વિકાસ માટેના કડક ધોરણો ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વેગનનું ઉત્પાદન સુનિશ્ચિત કરશે. રેલવે બોર્ડે વેગન ડિઝાઇન પોલિસીમાં મોટા સુધારા લાવવાનો પણ નિર્ણય કર્યો છે. સૂચિત નીતિ હેઠળ, ઉદ્યોગોને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વેગન ડિઝાઇન કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, સ્ટીલ કોઇલના પરિવહન માટે વિશેષ બાઈન્ડિંગ વ્યવસ્થાઓ અને સમર્પિત લોડિંગ તેમજ અનલોડિંગ સિસ્ટમ્સની જરૂર પડે છે, જ્યારે અન્ય કેટલીક ચીજવસ્તુઓની પણ પોતાની આગવી કાર્યકારી જરૂરિયાતો હોય છે. આ નવા માળખા હેઠળ, ઉદ્યોગોને તેમની જરૂરિયાતો અનુસાર વેગન ડિઝાઇનમાં ફેરફાર સૂચવવાની સત્તા આપવામાં આવશે. વેગનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી RDSO અને ચીફ કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CCRS)ની રહેશે. આ સુધારાઓથી રેલવે ફ્રેટ ઇકોસિસ્ટમમાં કેટલાય નવા ઉદ્યોગોના પ્રવેશને સક્ષમ બનાવવાની અપેક્ષા છે.
-
રેલવેની માલસામાન પરિવહન પ્રણાલી મજબૂત બનશે
આ સુધારો વેગન વિકાસમાં નવીનતાને પ્રોત્સાહન આપશે અને ભારતીય રેલવેની માલસામાન પરિવહન પ્રણાલીને મજબૂત કરશે. કોમોડિટી-ચોક્કસ પરિવહન ઉકેલો પ્રદાન કરીને, ભારતીય રેલવેનો ઉદ્દેશ્ય નવા નૂર પ્રવાહોને આકર્ષિત કરવાનો, ગ્રાહકોની સુવિધા વધારવાનો અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં રેલવેનો હિસ્સો નોંધપાત્ર રીતે વધારવાનો છે.
ઉદ્યોગોને રોડ પરથી રેલવે તરફ વધુ માત્રામાં માલસામાન સ્થાનાંતરિત કરવા સક્ષમ બનાવીને, નવી વેગન ડિઝાઇન પોલિસી ‘ગ્રીન રેલવે’ અને ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ના વિઝનને આગળ વધારશે. રોડ પરિવહનની સરખામણીમાં રેલ પરિવહન આશરે 90 ટકા વધુ પર્યાવરણ-અનુકૂળ છે, અને ભારતીય રેલવેના લગભગ પૂર્ણ વીજળીકરણ સાથે, રેલ-આધારિત માલસામાનની અવરજવરમાં વધારો થવાથી આયાતી ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુઓ વધુ સસ્તી બનશે.
સૂચિત વેગન ડિઝાઇન પોલિસી એ આધુનિક, ગ્રાહક-કેન્દ્રિત અને નવિનતા-સંચાલિત માલસામાન પરિવહન પ્રણાલીના નિર્માણ તરફ ભારતીય રેલવે દ્વારા કરાયેલો અન્ય એક મહત્વપૂર્ણ સુધારો છે. તે આર્થિક વિકાસને વેગ આપવા, પર્યાવરણીય ટકાઉપણું મજબૂત કરવા અને વિકસિત ભારતના વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.


