Homeગુજરાતીગુજરાતગીર સોમનાથ જિલ્લાના હીરણ ડેમ-2માં માત્ર 19.45 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ગીર સોમનાથ જિલ્લાના હીરણ ડેમ-2માં માત્ર 19.45 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

વેરાવળ, 22 જુન, 2026 : Only 19.45 percent water available in Hiran Dam-2 ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે અલ નીનોની સંભવિત અસરને કારણે ચોમાસામાં વિલંબ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટવા લાગી છે. ગીર સોમનાથના હીરણ-2 ડેમમાં માત્ર 19.45 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે જિલ્લાના અન્ય જળાશયોમાં પણ જળસપાટીમાં ઘટાડો થયો છે. જો મેઘરાજાના આગમનમાં વધુ વિલંબ થશે તો આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.

ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરના કહેવા મુજબ જિલ્લામાં હિરણ-1, હિરણ-2, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ એમ પાંચ મુખ્ય સિંચાઈ યોજનાઓ છે. હાલમાં હિરણ-1 ડેમમાં 28.65%, હિરણ-2 ડેમમાં 19.45%, શિંગોડા ડેમમાં 32.35%, મચ્છુન્દ્રી ડેમમાં 39.33% અને રાવલ ડેમમાં 67.15% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.  જિલ્લાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ઉમરેઠી સ્થિત હિરણ-2 ડેમની સ્થિતિ વિશેષ ચિંતાજનક છે. ગત વર્ષે આ જ સમયે ડેમમાં 26.42% પાણી હતું, જ્યારે હાલમાં તે ઘટીને માત્ર 19.45% થયું છે. ગત વર્ષે જૂનમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નોંધાતા જળસંગ્રહ વધ્યો હતો, પરંતુ આ વર્ષે પૂરતો વરસાદ થયો નથી.

સિંચાઈ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  હિરણ-2 ડેમ પરથી ઇન્ડિયન રેયોન, GHCL જેવા મોટા ઔદ્યોગિક એકમો, વેરાવળ અને સુત્રાપાડા નગરપાલિકા, વેરાવળ જૂથ પાણી પુરવઠા યોજના, ચોરવાડ જૂથ પાણી પુરવઠા યોજના, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તાલાલા એજ્યુકેશન ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓને પાણી પૂરું પાડવામાં આવે છે. દર મહિને ઉદ્યોગો દ્વારા આશરે 11.944 MCFT પાણીનો ઉપાડ થાય છે, જ્યારે 26.651 MCFT પાણી પીવાના ઉપયોગ માટે ફાળવવામાં આવે છે. સિંચાઈ વિભાગના અંદાજ મુજબ, હાલનો જળજથ્થો 31 જુલાઈ સુધી પૂરતો રહી શકે છે. જોકે, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ ખેંચાય અથવા સામાન્ય કરતાં ઓછો રહે તો સ્થિતિ ઝડપથી વિકટ બની શકે છે. આ સંજોગોમાં ખેડૂતો, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા તંત્ર માટે પડકારો વધવાની શક્યતા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments