અમદાવાદ, 6 ઓક્ટોબર, 2026 : Two car accidents at ISKCON Bridge and Sabarmati શહેરમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગઈ કાલે રાત્રે ઈસ્કોન બ્રિજ અને સાબરમતીમાં કાર અકસ્માતના બે બનાવો બન્યા હતા. પ્રથમ બનાવમાં એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018) કારે સર્વિસ રોડ પરની BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે કારચાલક હિમાંશુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ સાબરમતી વિસ્તારમાં સર્જાયો હતો. સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાગડના રબારી વાસ નજીક શહેર ટ્રાફિકના PSI ભરત પંડ્યાએ નશાની હાલતમાં પોતાની ક્રેટા (GJ04 DA6745)થી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતને લીધે સ્થાનિકોએ ભેગા થઈને PSI પંડયાને ઘેરીને તેમનો વીડિયો બનાવ્યો હતો. પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પંડ્યાની કારની તલાશી લેતા કારમાં તપાસ કરતા દારૂની 9 જેટલી બોટલ મળી આવી હતી. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,ગત રાત્રે શહેરના ઈસ્કોન બ્રિજ નજીક પકવાન તરફથી પૂરપાટ ઝડપે આવેલી સ્વીફ્ટકારે અકસ્માત સર્જ્યો હતા. સ્વીફ્ટ કારમાં 6 લોકો સવાર હતા, અને કારચાલક હિમાશુ (રહે. અમરાઈવાડી)એ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે સર્વિસ રોડ પરની BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. ઈનોવા કારને વાગેલી ટક્કર એટલી જોરદાર હતી કે તે આગળ પડેલી i20 ગાડી સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર રિવર્સ થઈને ત્યાં સ્થિત એક BMW કાર સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી. અકસ્માતના ધડાકાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના સાબરમતી વિસ્તારમાં ત્રાગડ ગામ નજીક રબારીવાસ પાસે રોડ પર પૂર ઝડપે ક્રેટા કારે અકસ્માત કર્યો હતો. કારચાલક ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભરત પંડ્યા નશાની હાલતમાં હતા. આ અકસ્માતના બનાવથી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા ગયા. અને સાબરમતી પોલીસને જાણ કરી હતી. પીએસઆઈની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. કારચાલક પીએસઆઈને સાબરમતી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તે લથડિયા ખાતા હતા. દરમિયાન ટ્રાફિક વેસ્ટ વિભાગના DCPએ પીએસઆઈ ભરત પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે.
આ અકસ્માતના બનાવનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં ટ્રાફિક પીએસઆઈની (GJ04 DA6745) ક્રેટા કારની ડેકીમાં દારૂની બોટલ હતી. સ્થાનિકોએ PSI પંડયાને ઘેરીને વીડિયો બનાવી પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.


