1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 10 નવ-નિર્વાચિત સાંસદોને લેવડાવ્યા શપથ
રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 10 નવ-નિર્વાચિત સાંસદોને લેવડાવ્યા શપથ

રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 10 નવ-નિર્વાચિત સાંસદોને લેવડાવ્યા શપથ

0
Social Share

નવી દિલ્હી, 25 જૂન 2026: રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હી સ્થિત રાજ્યસભા ચેમ્બરમાં વિધિવત રીતે નવ-નિર્વાચિત અને પુનઃનિર્વાચિત થયેલા 10 સાંસદોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજ્યસભાના સભ્ય તરીકે આજે જે મહાનુભાવોએ શપથ અથવા પ્રતિજ્ઞા લીધી, તેમાં પરિમલ નથવાણી, પ્રવીણ ચક્રવર્તી, દેબાશીષ સામંતરાય, સના સતીશ બાબુ, વિજય ચિંતકાયલા, ભાષ્યમ રામા કૃષ્ણા, લિંગામનેની રમેશ, રાજેશ પરમાનંદ શુક્લા, બૈદ્યનાથ રામ અને તાઈ તાગાકનો સમાવેશ થાય છે. આ શપથગ્રહણ સમારોહ દરમિયાન સંસદમાં ભારતની ભિન્ન સંસ્કૃતિ અને ભાષાઓનો સંગમ જોવા મળ્યો હતો. 10 સભ્યોમાંથી 5 સભ્યોએ હિન્દીમાં, 3 સભ્યોએ તેલુગુમાં, 1 સભ્યે તમિલમાં અને 1 સભ્યે અંગ્રેજી ભાષામાં ભગવાનના નામે શપથ લીધા હતા.

ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો, આ નવ-નિર્વાચિત સભ્યોમાંથી સૌથી વધુ 4 સભ્યો આંધ્રપ્રદેશના છે. આ ઉપરાંત ઝારખંડમાંથી 2, જ્યારે ગુજરાત, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાંથી એક-એક સભ્યનો સમાવેશ થાય છે. આ ગરિમાપૂર્ણ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યસભાના ગૃહના અન્ય સભ્યો, દેશના અગ્રણી મહાનુભાવો, રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદી તેમજ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજર રહીને તમામ નવા સાંસદોને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code