1. Home
  2. ગુજરાતી
  3. ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે
ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

0
Social Share

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 1980માં એના સ્થાપનાના વર્ષથી ખૂબ ઝડપથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ભાજપે પહેલી વખત 1996માં 13 દિવસની સરકાર બનાવી હતી અને તેના પછી 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ ચાલનારી ગઠબંધન સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ ત્રણેય વખત એનડીએની સરકારોનું નેતૃત્વ કર્યું હતું. 2014 અને 2019માં ભાજપની સરકારો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની. કુલ પાંચ વખત ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સરકારો બનાવી છે.

હવે 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે. ત્યારે ગત 7 દિવસોમાં 4 રાજ્યોના બે ડઝનથી વધુ નેતાઓએ પક્ષપલટો કર્યો છે. પક્ષ બદલવામાં પૂર્વ મુખ્યમંત્રીથી લઈને મેયર સ્તરના નેતાઓ સામેલ છે.

હાલમાં પક્ષપલટાની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા અશોક ચવ્હાણે ભાજપનો ખેસ પહેરી લીધો. રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રજીતસિંહ માલવીયએ પણ પંજો છોડીને હાથમાં કમળ પકડવું મુનાસિબ માન્યું.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પણ પક્ષપલટો કરવાની ચર્ચાઓ હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે યૂટર્ન લીધો હતો. જો કે કમલનાથના નિકટવર્તી અને જબલપુરના મેયર જગત બહાદૂર અન્નૂ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

ભારતમાં પક્ષપલટાના આંકડા-

ભારતમાં પક્ષપલટાનો ખેલ 1960-70માં હરિયાણામાં શરૂ થયો હતો. ધીરેધીરે રાજકીય રોગ આખા ભારતમાં ફેલાયો. 2014 બાદ નેતાઓના પક્ષપલટાના મામલામાં ઘણો ઝડપી વધારો થયો.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ પ્રમાણે, સાંસદ અને ધારાસભ્ય સ્તરના એક હજારથી વધારે નેતાઓએ 2014થી 2021 વચ્ચે પક્ષપલટા કર્યા છે.

જેમાં 2014થી અત્યાર સુધીમાં મુખ્યમંત્રી સ્તરના 8 નેતાઓએ પક્ષપલટા કર્યા છે. મહારાષ્ટ્રના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ પલપલટૂઓની યાદીમાં છે. પાંચ વખત પક્ષપલટાને કારણે પેટાચૂંટણી કરાવવામાં આવી.

આ 7 વર્ષોમાં સૌથી વધુ પલાયન કોંગ્રેસમાંથી થયું છે. 2014થી 2021 સુધી ધારાસભ્ય અને સાંસદ સ્તરના 399 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડયો. બીજા સ્થાન પર સમાજવાદી પાર્ટી રહી છે. બીએસપી છોડનારા નેતાઓની સંખ્યા 170ની આસપાસ હતી. સત્તાધારી ભાજપમાંથી પણ નેતાઓના મોહભંગની ઘટના ઓછી નથી. 7 વર્ષમાં 144 જેટલા નેતાઓ ભાજપ છોડીને અન્ય પાર્ટીમાં સામેલ થયા હતા.

2014 બાદ ભારતમાં પક્ષપલટો કરનારા નેતાઓમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સ્તરના નેતા પણ સામેલ રહ્યા છે. 2014થી અત્યાર સુધીમાં 8 ભૂતપૂર્વ મુખ્યમંત્રી પક્ષપલટો કરી ચુક્યા છે. તેમા અશોક ચવ્હાણ, કેપ્ટન અમરિન્દરસિંહ અને નારાયણ રાણેના નામ મુખ્ય છે. તો 20થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ પક્ષપલટાના ખેલમાં સામેલ થયા.

ભાજપ પક્ષપલટુઓનો મોટો અડ્ડો-

2014 બાદ સૌથી વધારે પક્ષપલટૂ નેતા ભાજપમાં ગયા છે. એડીઆરના રિપોર્ટ મુજબ, માત્ર 2014થી 2021 સુધી ધારાસભ્ય- સાંસદ સ્તરના 426 નેતાઓએ ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે.

તો 2021થી 2023 સુધીમાં ધારાસભ્ય સ્તરના 253 અને સાંસદ સ્તરના 173 નેતા ભાજપમાં સામેલ થયા. 2021થી 2023 સુધી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ પક્ષપલટાનો ખેલ થયો. આ દરમિયાન સાત વર્ષમાં કોંગ્રેસમાં માત્ર 176 પક્ષપલટૂ નેતાઓ સામેલ થયા હતા. 2014થી 2021 સુધીમાં પક્ષપલટાને કારણે ભાજપ 3 રાજ્યોમાં સત્તામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપ સિવાય પક્ષપલટૂઓ માટે સૌથી વધુ પસંદગીની જગ્યા શિવસેના અને લોક જનશક્તિ પાર્ટી છે.

ભાજપની અંદર 7 રાજ્યોની કમાન પક્ષપલટૂઓના હાથમાં છે-

કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ ભાજપે પક્ષપલટૂઓને પણ પદથી ખૂબ નવાજ્યા છે. હાલમાં ભાજપના સાત રાજ્યોની કમાન પક્ષપલટૂ નેતાઓના હાથમાં છે. તેમાંબિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સામેલ છે.

બિહારમાં સમ્રાટ ચૌધરી ધારાસભ્ય દળના નેતા અને પ્રદેશ પ્રમુખ છે. સમ્રાટ ચૌધરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય જનતાદળથી કરી હતી. બાદમાં જેડીયુ અને હમમાં થઈને ભાજપમાં આવ્યા. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા મૂળ કોંગ્રેસી છે. તેમણે 2015માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. આસામમાં લોકસભાની કુલ 14 બેઠકો છે.

ઝારખંડની કમાન બાબુલાલ મરાંડીની પાસે છે. મરાંડી હાલ ઝારખંડના પ્રદેશ પ્રમુખ છે. પરંતુ તેમની પણ ગણતરી પક્ષપલટૂ નેતાઓમાં થાય છે. ભાજપમાં આવતા પહેલા મરાંડી ઝારખંડ વિકાસ મોરચાના પ્રમુખ હતા. ઝારખંડમાં લોકસભાની કુલ 13 બેઠકો છે.

ભાજપે પશ્ચિમ બંગાળમાં પણ પક્ષલટો કરીને આવેલા શુભેન્દુ અધિકારીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. શુભેન્દુ અધિકારીની કારકિર્દીની શરૂઆત તૃણમૂલ કોંગ્રેસમાંથી થઈ હતી. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે.

આ સિવાય મણિપુરના મુખ્યમંત્રી એમ. બિરેનસિંહ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા.

5 રાજ્યોમાં પક્ષપલટાને કારણે જનાધાર વધ્યો-

ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહીત દેશના પાંચ રાજ્યોમાં પક્ષપલટૂઓના કારણે ભાજપના જનાધારમાં વધારો થયો છે. 2014ની ચૂંટણીમાં લગભગ 10 બેઠકો પર ભાજપે પક્ષપલટૂઓને ટિકિટ આપી હતી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પક્ષપલટૂઓની સારી આવભગત કરી હતી. ભાજપને તેનો ફાયદો મળ્યો અને 300થી વધારે બેઠકો પર જીત પ્રાપ્ત થઈ અને ભાજપે સરકાર બનાવી લીધી. ચૂંટણી બાદ યુપી કેબિનેટમાં પણ પક્ષપલટૂઓનો દબદબો જોવા મળ્યો. સ્વામીપ્રસાદ મૌર્ય, રીટા બહુગુણા જોશી જેવા પક્ષપલટૂ નેતાઓને મોટા વિભાગ આપવામાં આવ્યા.

યુપીની જેમ મધ્યપ્રદેશમાં પણ પક્ષપલટૂઓએ ભાજપના જનાધારને વધાર્યો. 2018માં જ્યારે મધ્યપ્રદેશની સત્તા ભાજપના હાથમાંથી નીકળી, તો જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં 28 કોંગ્રેસી ધારાસભ્યો તૂટયા હતા.

તમામે ભાજપને ટેકો આપ્યો, તેના પછી ભાજપ સરકાર બનાવવામાં સફળ રહ્યું . ભાજપ તેના પછી મધ્યપ્રદેશમાં ફરીથી મજબૂત થવા લાગી.

પશ્ચિમ બંગાળમાં પણ 2019માં પક્ષપલટો થયો અને નેતાઓએ ભાજપનો રેકોર્ડ અનેક ગણો વધાર્યો હતો. 2019માં બંગાળમાંથી જીતેલા ભાજપના 30 ટકા સાંસદ અન્ય પક્ષોમાંથી આવ્યા હતા.

આસામમાં પણ જનાધાર વધારવા માટે ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા નેતાઓનો જ સહારો લીધો હતો.

પક્ષપલટાને લઈને ભાજપનું સત્તાવાર સ્ટેન્ડ શું છે?

ચૂંટણી પહેલા નેતાઓના પલાયનને લઈને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસમાં માત્ર એક પરિવારની રાજનીતિ થાય છે. પાર્ટી ભાઈ-ભત્રીજાવાદમાં ફસાય ગઈ છે. માટે નેતાઓ ત્યાંથી આ બાજૂ આવી રહ્યા છે. ભાજપે પક્ષપલટૂઓને લાવવા માટે ઘણાં રાજ્યોમાં જોઈનિંગ કમિટી પણ બનાવી રાખી છે.કમિટીનું કામ અન્ય પક્ષના જનાધારવાળા નેતાઓને પોતાની તરફ લાવવાનું છે.

ભાજપમાં પક્ષપલટા વિરોધી કાયદો અને તેની સ્થિતિ-

પક્ષપલટાને રોકવા માટે 1985માં ભારતના બંધારણમાં 52મું સંશોધન કરવામાં આવ્યું. તેના પછી 10મી અનુસૂચિ અસ્તિત્વમાં આવી. તેના પ્રમાણે, ધારાસભ્યો પર કાર્યવાહીનો અધિકાર સ્પીકરને આપવામાં આવ્યો છે. તેમાં અંદર અને બહાર બંને સ્થાનો પર તેમના આચરણ માટે અયોગ્યાની કાર્યવાહીનો અધિકાર આપવામાં આવ્યો છે.

જો કે ઘણાં મામલામાં જોવા મળ્યું છે કે ફરિયાદ છતાં આના પર કાર્યવાહી થઈ નથી. ઉદાહરણ માટે 17મી લોકસભા દરમિયાન ટીએમસીના ત્રણ સાંસદો શિશિર અધિકાર, દિવ્યેંદુ અધિકારી અને સુનીલ મંડલની વિરુદ્ધ 2021માં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ સત્ર ખતમ થયા બાદ પણ ત્રણેય પર કાર્યવાહી થઈ નથી.

પક્ષપલટા કાયદામાં બે-ત્રણ ધારાસભ્યોની એકસાથે અલગ થવા પર કોઈપણ પ્રકારે કાર્યવાહીનો નિયમ નથી. ઘણાં સ્થાન પર જોવા મળ્યા છે કે કાર્યવાહીથી બચવા માટે એકસાથે ધારાસભ્ય પાર્ટી છોડી દે છે. પક્ષપલટા કાયદો માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર જ લાગુ થાય છે. માટે નાના-મોટા નેતા આસાનીથી પાર્ટી બદલી લે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code