
રાજકોટઃ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો મેદાન હતા. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના એક ઉમેદવાર હતા. આ માટે ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન કરાયું હતું. જો કે કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન બાબરીયા મતદાન કરી શક્યા નહોતા. મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 8 બેઠક પર ભાજપની જીત થઈ હતી.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોના ભાજપ દ્વારા અગાઉ રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં નવનિયુક્ત શહેર પ્રમુખ મુકેશ દોશીની પ્રદેશ લેવલે મુલાકાત થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂની સમિતિના બે બહેનોને બાદ કરતા તમામની બાદબાકી કરી 12 સભ્યો તેમજ 3 સરકાર નિયુક્ત સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના માટે સોમવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. એક સભ્યને જીતવા માટે 8 મત મળવા જરૂરી હતા. ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ હોવાથી 8 બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપે જાહેર કરેલા 12 સભ્યો તેમજ સરકાર નિયુક્ત 3 મળી કુલ 15 સભ્યોના નામમાં પ્રવીણ નિમાવત, વિક્રમ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમ રબારી, ઇશ્વર જીત્યા, હિતેશ રાવલ, રસિક બદ્રકિયા, અજય પરમાર, મનસુખ વેકરિયા, સંગીતા છાયા, જાગૃતિ ભાણવડિયા અને સુરેશ રાઘવાણીનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર નિયુક્ત 3 સભ્યોમાં જયદિપ જલુ, સંજય ભાયાણી અને જગદિશ ભોજાણીનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, વાઈસ ચેરમેન સંગીતા છાયા સહિત 15 સભ્યોના રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ ઉપરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા.