Homeગુજરાતીદેશ-વિદેશભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદઃ ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં 8 મોટા મુદ્દાઓ...

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદઃ ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં 8 મોટા મુદ્દાઓ પર સહમતિ

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ઉકેલવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ કદમ લેવામાં આવ્યું છે. બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓની 25મી વાર્તામાં સરહદ પર શાંતિ, સીમાંકન અને સંચાલન સહિતના આઠ મોટા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દ્રિપક્ષીય સંબંધોને સ્થિર રાખવા અને સરહદ પર તણાવ ઘટાડવા માટે અનેક નક્કર નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડર મેનેજમેન્ટને મજબૂત બનાવવા માટે વધારાના મીટિંગ પોઈન્ટ અને હોટલાઈન સ્થાપિત કરવા, વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે સમજ વધારવા તેમજ કૂટનીતિક અને લશ્કરી સ્તરે જમીની સ્થિતિને વધુ સારી રીતે સંભાળવાનો નિર્ણય લેવાયો છે.

ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે, તેમજ બંને દેશોના નેતાઓ પાસેથી મળેલા માર્ગદર્શન મુજબ દ્રિપક્ષીય સંબંધોના સ્વસ્થ અને સ્થિર વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા પર સહમતિ દર્શાવી છે. સરહદ વિવાદના ઉકેલ માટે વાતચીત આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બંને પક્ષોએ વર્ષ 2005ના ‘પોલિટિકલ પેરામીટર્સ એન્ડ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ’ કરાર અને ત્યારપછીની વિશેષ પ્રતિનિધિ વાર્તાઓમાં થયેલી સમજૂતીના આધારે નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બાઉન્ડ્રી ડિલિમિટેશન પર નિષ્ણાત જૂથ અને બોર્ડર મેનેજમેન્ટ પર ડબ્લ્યુએમસીસી હેઠળનું વર્કિંગ ગ્રુપ ચર્ચાને આગળ વધારશે. બંને જૂથોનું પ્રથમ કામ પોતપોતાના સંદર્ભની શરતો નક્કી કરવાનું રહેશે.

  • LAC પર ત્વરિત સમાધાન

LAC પર કોઈપણ પરિસ્થિતિનું ત્વરિત સમાધાન લાવવામાં આવશે. આ માટે WMCC, સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો અને અન્ય મોજૂદ લશ્કરી-દ્રીપક્ષીય તંત્રનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ગેરસમજ અને ખોટા આકલનથી બચી શકાય. સરહદ સંચાલનને મજબૂત કરવા માટે નવા સંવાદ તંત્રો ગોઠવવામાં આવશે. જનરલ લેવલ મિકેનિઝમ/સીનિયર હાઈએસ્ટ મિલિટરી કમાન્ડર બેઠકો માટે બે વધારાના મીટિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પૂર્વ અને મધ્ય ક્ષેત્રોમાં બે વધારાની લશ્કરી હોટલાઈન ચેનલો સ્થાપિત કરવા પર પણ સહમતિ સધાઈ છે.

કૈલાશ માનસરોવર યાત્રા અને સરહદી વેપારમાં સહયોગ વધારવામાં આવશે. ભારતે ચીન તરફથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે કૈલાશ માનસરોવર યાત્રાના બેચ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. બંને પક્ષોએ નિયુક્ત કરાયેલા ત્રણ સરહદી વેપારી મથકો પુનઃ શરૂ થવાનું સ્વાગત કર્યું છે. સરહદ પારની નદીઓ અંગે ભારત-ચીન નિષ્ણાત-સ્તરની મિકેનિઝમની આગામી બેઠક સપ્ટેમ્બર 2026માં મળશે. જેમાં હાઈડ્રોલોજિકલ ડેટા શેરિંગ અને સંબંધિત એમઓયુના નવીનીકરણ જેવા મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે. આગામી વર્ષે 2027માં 26મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા ભારતમાં યોજાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular