1. Home
  2. ગુજરાતી
  3. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા અંગે અનિશ્ચિતતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 103 ડોલરને પાર
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા અંગે અનિશ્ચિતતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 103 ડોલરને પાર

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવા અંગે અનિશ્ચિતતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 103 ડોલરને પાર

0
Social Share

મુંબઈ, 23 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની ખુલવા અંગેની અનિશ્ચિતતાને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. ગુરુવારે તેલની કિંમતો ફરી એકવાર 100 ડોલર પ્રતિ બેરલની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી ગઈ છે, જેની સીધી અસર ભારત જેવી આયાત પર નિર્ભર અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ) પર જૂન વાયદા માટે બ્રેન્ટ ક્રૂડના ભાવ સવારના ટ્રેડિંગમાં 103.35 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યા હતા, જે અગાઉના બંધ ભાવ કરતા આશરે 4 ટકાનો ઉછાળો દર્શાવે છે. તેવી જ રીતે, ન્યૂયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ પણ 1.62 ટકા વધીને 94.47 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

કિંમતોમાં વધારાનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટ પરની કટોકટી છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતાઓ દ્વારા “યુનિફાઈડ પ્રસ્તાવ” ન આવે ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવ્યો છે, પરંતુ ઈરાન પરની નૌકાદળની નાકાબંધી હટાવી નથી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડોએ દાવો કર્યો છે કે, યુએસ સેનાએ નાકાબંધી હેઠળ 31 જહાજોને પાછા વળવા અથવા બંદરે પરત ફરવા આદેશ આપ્યો છે. દરમિયાન ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં. તેમણે અમેરિકા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો અને ઈરાની બંદરોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ છેલ્લા 50 દિવસથી વધુ સમયથી બંધ છે, જે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાના આશરે પાંચમા ભાગ (20 ટકા) ને અવરોધે છે. ક્રૂડના વધતા ભાવથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધશે, જેનાથી દેશની રાજકોષીય ખાધ પર દબાણ આવશે. જો કાચા તેલના ભાવ ઊંચા રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, રાહતના સમાચાર એ છે કે ભારત સરકારે નિવેદન જારી કર્યું છે કે દેશભરમાં ફ્યુઅલ આઉટલેટ્સ સામાન્ય રીતે કાર્યરત છે અને તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને લશ્કર અને જૈશ સામે આકરી કાર્યવાહી જોઈએઃ અમેરિકાન સાંસદ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code