પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે.
વ્યાપક નુકસાનના કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો કોરોનેશન બ્રિજ અચાનક તૂટી પડવાથી દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત સિલિગુડી અને મીરિકને જોડતો દુધિયા આયર્ન બ્રિજ પણ તૂટી પડ્યો છે, જેણે આસપાસના વિસ્તારોને અલગ કરી દીધા છે.
ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 પર ચિત્રે અને સેલ્ફી દારા સહિત અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 717એ પર પણ ભૂસ્ખલનના કારણે માર્ગો બંધ થઈ ગયા છે. તિસ્તા બજાર વિસ્તારમાં પૂર આવવાને કારણે કાલિમપોંગથી દાર્જિલિંગ સુધીનો માર્ગ પણ બંધ કરવો પડ્યો છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી, સિલિગુડી અને કૂચબિહારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે, જેના પગલે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશક આફતને કારણે દાર્જિલિંગ અને સિક્કિમના અનેક પ્રખ્યાત પર્યટન સ્થળો પણ પ્રવાસીઓની સલામતી માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે ઉત્તર બંગાળમાં ભારે વરસાદથી દાર્જિલિંગ, કાલિમપોંગ અને કુર્સિયાંગ પ્રભાવિત થયા છે અને ભૂસ્ખલન તથા પૂરના કારણે સિલિગુડી, તરાઈ અને ડુઅર્સનો સંપર્ક સંપૂર્ણપણે છૂટી ગયો છે.