Site icon Revoi.in

સુરતમાં બિલ્ડર પૂત્રએ પૂરફાટ ઝડપે કારને ડિવાઈડરમાં ઘૂંસાડી, બે યુવકો ઘવાયા

Social Share

સુરતઃ શહેરમાં પૂર ઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં એક બિલ્ડર પૂત્ર નબીરાએ ગત રાતે કારને પૂરફાટ ઝડપે દાડાવીને સ્ટંટ કરતા કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. ત્રણ મહિના અગાઉ પણ આ યુવક દ્વારા સ્ટંટબાજી કર્યા બાદ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાન પકડાવી માફી મંગાવી હતી. આ ઘટનાના 3 મહિનામાં જ ફરી સ્ટંટબાજી કરી બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મુક્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ગત રાત્રિના સમયે સુરત શહેરના વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. તપાસ કરતા કારચાલક નબીરો ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને પણ નાની-મોટી ઈજા પહોંચી હતી.  કારમાં સવાર યુવકને સામાન્ય ઇજા થતા સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જોકે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. લોકોના જીવનમાં જોખમમાં મૂકીને સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, બિલ્ડરના આવારા પુત્ર મોહિત ચૌહાણે ત્રણ મહિના પહેલાં પણ લોકોની ઊંઘ હરામ કરી હતી.

સૂત્રોના કહેવા મુજબ ત્રણ મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક કારચાલક રાત્રિના ત્રણ વાગ્યે ખુલ્લો રોડ હોય તેનો લાભ લઇ સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ આ સ્ટંટના કારણે આજુબાજુના બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા. તે વીડિયો વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાસેનો હતો. કારનો નંબર મેળવાતા કારચાલક મોહિત ચૌહાણ હતો, જેના પિતા બિલ્ડર છે. પોલીસે મોહિત ચૌહાણની ધરપકડ કરી હતી. જે કારથી તેણે સ્ટંટ કર્યા તે કાર ફોક્સવેગન હતી. આરોપી પોતે રાતે રોડ ખુલ્લા હોય એટલે સ્પીડમાં ગાડી ચલાવી શકાય, મોજ શોખ માટે રાતે ફરવા નીકળતો હતો.