બુમરાહની અનોખી સિદ્ધિ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને 101 રનથી હરાવીને પાંચ મેચની આ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 175 રન બનાવ્યાં હતા. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 74 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બુમરાહે બે વિકેટ ઝડપીને ટી-20માં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યાં હતા. કટકમાં રમાયેલી ટી20માં બ્રેવિસની વિકેટ લઈને બુમરાહે ટી-20 ઈન્ટરનેશનલમાં વિકેટ લેવામાં સદી પુરી કરી છે. આ ફોર્મેટમાં અર્શદીપ સિંહ પછી બુમરાહ 100 વિકેટ લેનાર બીજા ભારતીય બોલર બન્યાં છે. બુમરાહએ 101 વિકેટ સાથે લિસ્ટમાં બીજા ક્રમ ઉપર છે.
ભારતીય બોલર અર્શદીપસિંહે 107, બુમરાહે 101, હાર્દિક પંડ્યાએ 99, યુઝવેન્દ્ર ચહલે 96 અને ભુવનેશ્વર કુમારે 90 વિકેટ લીધી છે. જો કે ટેસ્ટ, વન-ડે અને ટી20 એમ ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર બુમરાહ પ્રથમ ભારતીય બોલર બન્યો છે. બુમરાહના નામે ટેસ્ટમાં 234 અને વન-ડેમાં 149 વિકેટ છે. બુમરાહ એવા ખાસ લિસ્ટમાં સામેલ થયો છે જેમાં દુનિયાના માત્ર ચાર બોલરોના નામ સામેલ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર બોલરમાં બુમરાહ પાંચમો બોલર બન્યો છે. આ રેકોર્ડ સૌ પ્રથમ મલિંગાએ બનાવ્યો હતો. આ ઉપરાંત આ યાદીમાં સાઉદી, શાકિબ અલ હસન અને શાહીન આફ્રીદીનો સમાવેશ થાય છે.


