1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં ઉત્પાદન ક્ષેત્રે તેજી, ઑક્ટોબરમાં પરચેઝિંગ ઇન્ડેક્સ વધીને 55.90 થયો

દેશમાં ઉત્પાદન ક્ષેત્રે તેજી, ઑક્ટોબરમાં પરચેઝિંગ ઇન્ડેક્સ વધીને 55.90 થયો

0
Social Share
  • દેશમાં ઑક્ટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી
  • ઑક્ટોબર માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 8 મહિનાની ઊંચી સપાટીએ
  • ઉત્પાદન ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ ઇન્ડેક્સ (PMI) ઑક્ટોબરમાં વધીને 55.90

નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો પ્રકોપ જ્યારે હળવો થઇ રહ્યો છે ત્યારે દેશમાં આર્થિક ગતિવિધિઓ પણ તેજ થઇ છે અને વેપાર-ધંધામાં પણ રોનક જોવા મળી રહી છે. આ વચ્ચે ઑક્ટોબર માસ દરમિયાન દેશમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને 8 મહિનાની ઊંચી સપાટીએ રહી છે. ઑક્ટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ ઇન્ડેક્સ (PMI) ઑક્ટોબરમાં વધીને 55.90 રહ્યો છે.

એક તરફ દેશમાં ઉત્પાદનમાં વધારો થયો છે પરંતુ રોજગારની સ્થિતિમાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી. માગને પહોંચી વળવા માટે વર્તમાન ક્ષમતા પૂરતી હોવાનું PMI માટેના સર્વમાં ભાગ લેનારની કંપનીઓએ જણાવ્યું હતું.

માગમાં સુધારો થવાની અપેક્ષાએ કંપનીઓએ સ્ટોકસ કરવા કાચા માલની ખરીદી વધારી દીધી હતી. સમાપ્ત થયેલા મહિનામાં વેપાર આશાવાદ પણ વધીને ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.

સ્ટોકસ ઊભા કરીને કંપનીઓ માગમાં સૂચિત વધારાને પહોંચી વળવા સજ્જ થઈ રહી છે, ત્યારે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો થશે તેમ જણાઈ રહ્યું હોવાનું આઈએચએસ માર્કિટ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. જો કે કોરોના ફરી માથું નહીં ઊંચકે તો જ આ વધારો જોવા મળી શકશે.

ઓકટોબરમાં કાચા માલના ભાવ એકંદરે વધીને 92 મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કેમિકલ, ફેબ્રિક, ઓઈલ, પ્લાસ્ટિક જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે અને પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે. કાચા માલના ભાવ વધતા કંપનીઓએ કિંમતો વધારવાની ફરજ પડી રહી છે.

મહત્વનું છે કે, નવા ઓર્ડર્સમાં વધારો છતાં કંપનીઓ પોતાના વર્તમાન  કર્મચારીબળથી કામ ચલાવી રહી છે. નવા  ઓર્ડર્સની માત્રા સાત મહિનાની ઊંચી સપાટીએ રહી છે.  વેપાર આશાવાદમાં વધારો અને પ્રક્રિયા હેઠળના પ્રોજેકટસને જોતા આવનારા મહિનાઓમાં ઉત્પાદનને ટેકો મળી રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code