Site icon Revoi.in

વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોની 25માં દિવસે લડત યથાવત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન કરાતા શારીરિક શિક્ષણના ડિગ્રીધારી ઉમેદવારો છેલ્લા 25 દિવસથી સરકાર સામે ગાંધીચિન્ધ્યા માર્ગે લડત કરી રહ્યા છે. દરમિયાન ધરણા કરી રહેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી. અને જ્યાં સુધી સરકાર દ્વારા ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો ઉમેદવારોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. જો કે, રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો સંકેત આપ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે ઉમેદવારોએ આંદોલન છેડ્યું છે. અને લડતના 25મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજ્યા હતા. જોકે, પોલીસે તમામની અટકાયત કરી હતી. બીજી તરફ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર સાથે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ વિવેક પટેલની આગેવાનીમાં પદાધિકારીઓએ મુલાકાત કરી હતી. જેમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ મુદ્દે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે તેવો પ્રતિભાવ આપ્યો હતો. વ્યાયામ શિક્ષકોએ અત્યાર સુધી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કર્યા છે. તેમણે સૂર્ય નમસ્કાર, યોગ અને પ્રાણાયામ કર્યા, સચિવાલયનો ઘેરાવો કર્યો, અને કટોરો લઈને સરકાર પાસે કાયમી નોકરીની માંગણી કરી હતી. તેમણે પોતાની ડિગ્રી વેચવા પણ કાઢી હતી. આમ ઉમેદવારો અવનવા કાર્યક્રમો કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આંદોલનકર્તા ઉમેદવારોના કહેવા મુજબ સરકારે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, પરંતુ વ્યાયામ શિક્ષકો આ યોજનાથી સંતુષ્ટ નથી. આ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત નિમણૂક અપાય છે. શિક્ષકોનો આક્ષેપ છે કે, તેમને વચ્ચેથી જ છૂટા કરી દેવાય છે. આથી બાળકોના રમત-ગમત ક્ષેત્રે વિકાસની પ્રક્રિયા અધૂરી રહે છે. યોજનામાં રજાઓના નિયમો સ્પષ્ટ નથી. CRC, BRC, TPEO અને DPEO જેવા અધિકારીઓ પાસે પણ યોજના અંગે પૂરતી માહિતી નથી. શિક્ષકોએ અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.  કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરતા શિક્ષકોને વર્ષમા 8 મહિનાની જ નોકરી અને 4 મહિના ઘરે બેસવું પડે છે જેથી પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) પરિક્ષા લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતીની માગ સાથે 25માં દિવસે પણ વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી આવી પહોંચ્યા હતા. પણ તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે.

વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અંગે ચાલી રહેલા આંદોલનના પગલે ગુરૂવારે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર સાથે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ વિવેક પટેલની આગેવાનીમાં પદાધિકારીઓએ મુલાકાત કરી હતી. જેમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આ મુદ્દે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે તેવો પ્રતિભાવ આપ્યો હતો. ક્રીડા ભારતીએ સ્પષ્ટ જણાવ્યું કે, જ્યાં સુધી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, ત્યાં સુધી ખેલ સહાયકોનું શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રહેશે. સંગઠને સરકાર પાસે આ મુદ્દાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માગણી કરી છે.