Site icon Revoi.in

નવસારીમાં મોડી રાતે શ્વાનને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, એકનું મોત

Social Share

નવસારીઃ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ગઈ મોડી રાતે શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં સવાર ત્રણ સગીર યુવાનોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. કે, કાર પૂરફાટ ઝડપે જતી હતી ત્યારે શ્વાનને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ડિવાઈડ સાથે અથડાઈ હતી.

નવસારી શહેરમાં મધરાતે ફોક્સવેગન કાર લઇને નીકળેલા ચાર મિત્રોએ રસ્તા વચ્ચે અચાનક આવેલા શ્વાનને બચાવવા જતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર મોલના પ્રેવશદ્વાર પાસે આવેલા થાંભલાને અને ત્યારબાદ ડિવાઈડ સાથે અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રણ સગીરોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કાળજુ કંપાવી દેતી આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. જેમાં જોવા મળે છે કે, મધરાતે મદદ માટે યુવક રોડ પર તડપતો રહે છે, ઘાયલ મિત્રોને હોસ્પિટલ લઈ જવા ઘણી બુમો પાડતો જોવા મળે છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માત સર્જાયો તે સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મોડી રાત્રે કાર પૂરપાટ ઝડપે તીઘરા તરફથી કબીરપોર જઈ રહી હતી. તે દરમિયાન સેન્ટ્રલ મોલ નજીક અચાનક રસ્તા વચ્ચે એક શ્વાન આવી જતાં કાર ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ કાર રોડની વચ્ચે આવેલા સેન્ટ્રલ મોલના ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર ત્રણ સગીરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

Exit mobile version