Site icon Revoi.in

રાંચીમાં લાંચ લેતા એમઈએસના એન્જિનિયર સહિત બે વ્યક્તિઓને CBI એ ઝડપી લીધા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ રાંચીમાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) ગેરીસન એન્જિનિયર સાહિલ રતુસરિયા અને તેમના ઓફિસ કેશિયર ફિલિપ જાલ્કોની લાંચ લેતા સીબીઆઈએ ધરપકડ કરી છે. તેમના પર 40500 રૂપિયાની લાંચ માંગવાનો અને લેવાનો આરોપ છે. આ બે આરોપીઓને રંગેહાથ પકડ્યા બાદ, CBI ટીમે તેમના ઘર અને ઓફિસોની તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન, ગેરીસન એન્જિનિયર સાહિલ રતુસરિયાના ઘરેથી લગભગ 79.50 લાખ રૂપિયા રોકડા, બેંક ખાતાઓ સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા.

સીબીઆઈએ શુક્રવારે (21 માર્ચ) બંને આરોપીઓને રાંચીની એક ખાસ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે તેમને 4 દિવસની પોલીસ કસ્ટડી (21 માર્ચથી 24 માર્ચ) મોકલવાનો આદેશ આપ્યો હતો. હવે તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ લાંચનો એક અલગ કેસ છે કે પછી મોટા ભ્રષ્ટાચાર નેટવર્કનો ભાગ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CBI ને ગુપ્ત માહિતી મળી હતી કે MES અધિકારીઓ સરકારી કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં લાંચ માંગી રહ્યા છે. આ પછી, તપાસ એજન્સીએ છટકું ગોઠવ્યું અને આરોપીને રંગે હાથે પકડી લીધો. સાહિલ રતુસરિયાના ઘરમાંથી મળેલી રોકડ રકમ દર્શાવે છે કે લાંચનો આ ખેલ ઘણા સમયથી ચાલી રહ્યો હતો.

ગેરીસન એન્જિનિયરિંગ સર્વિસ (MES) ભારતીય સેના માટે મહત્વપૂર્ણ બાંધકામ કાર્ય કરે છે, તેથી તેમાં ભ્રષ્ટાચાર ગંભીર ચિંતાનો વિષય છે. આ કેસમાં બીજું કોણ કોણ સંડોવાયું છે તે શોધવા માટે સીબીઆઈ હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સરકારી કોન્ટ્રાક્ટમાં લાંચ લેવા અંગે સરકારે પહેલાથી જ કડક વલણ અપનાવ્યું છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.