Homeગુજરાતીગુજરાતઅમરાવતી માટે કરોડોના પ્રોજેક્ટને લીલીઝંડી, અર્થતંત્રને મજબૂતી આપવા PM મોદીના સાત સંકલ્પ

અમરાવતી માટે કરોડોના પ્રોજેક્ટને લીલીઝંડી, અર્થતંત્રને મજબૂતી આપવા PM મોદીના સાત સંકલ્પ

નવી દિલ્હી, 10 જૂન 2026: દેશના શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે કેટલાક દૂરોગામી નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આંધ્રપ્રદેશના અમરાવતીના વિકાસથી લઈને ગુજરાતના અમદાવાદમાં મેટ્રો રેલના વિસ્તરણ સુધીની મહત્વની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે દેશના રાજકીય ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન પણ નોંધાયો છે.

કેબિનેટના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઇતિહાસમાં એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી પદ પર રહેવાનો નવો ઐતિહાસિક રેકોર્ડ કાયમ કર્યો છે. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિને બિરદાવવા માટે આજની કેબિનેટ બેઠકમાં સત્તાવાર રીતે એક વિશેષ પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના આર્થિક પાટનગર સમાન અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ આધુનિક બનાવવા માટે કેબિનેટે ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ’ ને મંજૂરી આપી દીધી છે. આ વિસ્તરણ અંતર્ગત 6.032 કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે. આ રૂટ પર કુલ પાંચ નવા મેટ્રો સ્ટેશનો બનાવવામાં આવશે, જેનાથી શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. નવા મેટ્રો કોરિડોરના નિર્માણ બાદ ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી અભૂતપૂર્વ સ્તરે પહોંચશે. ફેઝ-2 A નું કામ પૂર્ણ થતાં જ અમદાવાદ અને ગાંધીનગરના રૂટ પર કુલ 77.63 કિલોમીટર લાંબુ વિશાળ મેટ્રો રેલ નેટવર્ક સામાન્ય જનતા માટે ઉપલબ્ધ થઈ જશે, જે મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં મોટો ઘટાડો કરશે.

  • અર્થતંત્રને મજબૂતી આપવા પીએમ મોદીના ‘સાત સંકલ્પ’

આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીને હબ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે અમરાવતીમાં કેન્દ્ર સરકારના બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે, જે અંતર્ગત આ વિસ્તારમાં અત્યાધુનિક નિર્માણ કાર્યો હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના અર્થતંત્રને ભવિષ્યની જરૂરિયાતો મુજબ સજ્જ કરવા માટે વડાપ્રધાને ‘સાત સંકલ્પ’ રજૂ કર્યા છે. આ સંકલ્પોમાં ડિજિટલ ઇકોનોમી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇનોવેશન (નવાચાર) અને ઉદ્યોગસાહસિકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૌશલ્ય વિકાસ, રમતગમત અને ફિટનેસના કાર્યક્રમોને પણ આમાં પ્રાથમિકતા આપવામાં આવી છે, જે ભારતીય કોર્પોરેટ અને MSME સેક્ટર માટે એક સક્ષમ, નવીન અને તંદુરસ્ત વર્કફોર્સ (કાર્યબળ) તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular