અંબાજી, 9 ઓગસ્ટ, 2026 : Tribal Day was celebrated with enthusiasm at several places આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંબાજી, થરાદ, દાતાં, દીઓદર સહિત બહુમત આદિવાસી વસતી ધરાવતા અનેક વિસ્તારોમાં ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. અંબાજી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

અંબાજી નજીક કુંભારીયા, પાસાં અને સિમ્બલ પાણીના સરપંચો સહિત અનેક આગેવાનો અને સમાજના સભ્યો રેલીમાં સામેલ થયા હતા. ‘જય જોહર, જય આદિવાસી’ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રેલી અંબાજીના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી. આદિવાસી ગીતો પર બાઈક રેલી પણ યોજાઈ હતી, જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને રેલીમાં ભાગ લીધો હતો. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેના કારણે આ દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે.
આ ઉપરાંત થરાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શહેરમાં એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. સમાજની વાડીથી શરૂ થયેલી આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલે નૃત્ય અને ગીતો સાથે નીકળેલી આ રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ, રીત-રિવાજો અને જીવનશૈલીની ઝાંખી રજૂ થઈ હતી. પરંપરાગત વેશભૂષામાં દીકરીઓએ નૃત્ય કર્યું હતું અને યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ વિશાળ રેલી થરાદ શહેરના બજાર સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી દરમિયાન આદિવાસી એકતા, અસ્મિતા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રેલી નિહાળી હતી.રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરીમાં રેલી શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી.


