ભૂજ, 9 ઓગસ્ટ, 2026 : Intensive patrolling by Marine Police કચ્છના સંવેદનશીલ ગણાતા દરિયાકાંઠા વિસ્તારમાં મરીન પોલીસે દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણાય છે. દુશ્મન દેશ પાકિસ્તાન નજીક હોવાથી અસામાજિક પ્રવૃતિઓ થતી રહે છે. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે મરીન પોલીસ અને કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યુ છે.
કચ્છના કોટેશ્વર ખાતેની નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા આયોજિત આ અભિયાનમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. રોડાસરથી ગુગરીયાણા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં પાંચ કિલોમીટરથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કાંઠા વિસ્તારની અવાવરૂ જગ્યાઓ, સંભવિત સંવેદનશીલ સ્થળો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું.
મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને શંકાસ્પદ વાહનો તથા બોટોની પણ તપાસ હાથ ધરી હતી. દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ, અજાણી બેગ અથવા અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તો તેની તાત્કાલિક તપાસ થઈ શકે તે માટે ટીમોને સતર્ક રાખવામાં આવી હતી.
આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કચ્છના કાંઠા સુધી પહોંચતા અટકાવવાનો છે. ખાસ કરીને દાણચોરી, માદક પદાર્થોની હેરાફેરી અને શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
કચ્છનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો હોવાથી મરીન પોલીસ દ્વારા આવા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગને સુરક્ષા વ્યવસ્થાના મહત્વપૂર્ણ હિસ્સા તરીકે હાથ ધરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ દરિયાઈ પટ્ટામાં તકેદારી અને પેટ્રોલિંગ સતત જાળવી રાખવામાં આવશે


