Site icon Revoi.in

બનાસકાંઠામાં વીજચોરી સામે GUVNLની 42 ટીમો દ્વારા ચેકિંગ ઝૂંબેશ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજપોલ પરના વીજ તાર પર લંગરિયા નાખીને વીજ ચોરી કરવામાં આવતી હોવાની  ફરિયાદો ઊઠી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારમાં લાઈન લોસ વધતો જતો હતો. આથી જીયુવીએનએલની 42 ટીમોએ પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે કાંકરેજ, ડીસા અને વાવ તાલુકામાં વીજ ચેકિંગ ઝૂંબેશ આદરીને 105 ગ્રાહકોને વીજ ચોરી કરતા પકડી લીધા હતા. અને વીજ ચોરી કરતા ગ્રાહકોને રૂપિયા 30.71 લાખનો દંડ ફટકાર્યો હતો.

બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વીજચોરી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. તેમજ વીજ લાઈન લોસ વધતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા દ્વારા નક્કર કાર્યવાહી કરવા એક્શન પ્લાન બનાવાયો હતો. જે અંતર્ગત ડીસા,કાંકરેજ અને વાવ તાલુકામાં સાગમટે કાર્યવાહી કરવા જીયુવીએનએલ દ્વારા અલગ-અલગ વીજ ડિવિઝનોની પાંચ પેટા કચેરીની 42 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. ગઈકાલે વહેલી સવારથી ડીસા, કાંકરેજ અને વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીની પાંચ પેટા વિભાગીય કચેરી જેમાં ડીસા ગ્રામ્ય-1, ડીસા ગ્રામ્ય-2, ભીલડી, શિહોરી અને વાવની પેટા કચેરીની ટીમો દ્વારા જીયુવીએનએલ પોલીસ અને એસઆરપી ફોર્સને સાથે રાખી એક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક તેમજ ખેતર વિસ્તારોમાં રહેણાંક અને વાણિજ્ય વીજ જોડાણોનું ચેકિંગ કરતા ત્રણેય તાલુકામાં થઈ કુલ 105 ગ્રાહકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા. વીજ ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને કુલ રૂપિયા 30.71 લાખનો દંડ ફટકારી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએે જણાવ્યું હતું.