1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી
દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાના પારડીમાં મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કહ્યું હતું. દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદાર છે. જમીન વેરાન અને બિનઉપજાઉ બની રહી છે. તેમ રાજ્યપાલજીએ જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું જે ઉત્પાદન થશે તેના વેચાણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખેડૂતો માટે બજારની વ્યવસ્થા કરશે, જ્યાં સપ્તાહના દર ગુરૂવાર અને રવિવારે ખેડૂતો પ્રાકૃતિક ખેતપેદાશ વેચી શકશે. ખેતપેદાશ વેચનારને સરકારના બે અધિકૃત ટ્રેનર દ્વારા સર્ટિફિકેટ અપાશે, કે તેઓ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો છે અને ઝેરમુક્ત ખેતી કરે છે. તાલીમ આપનાર ખેડૂતોને સરકાર દ્વારા માનદ્ વેતન પણ ચૂકવાશે. આના થકી રાજ્યમાં મોટુ નેટર્વક ઉભુ થશે, જે અભિયાન રૂપે કામ કરશે.

પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવથી ખેડૂતોને નવી દિશા આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના સાડા ચાર લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આ અભિયાનને જન આંદોલન તરીકે આગળ વધારવાનું છે. વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. વલસાડ જિલ્લો ખેતીવાડીથી સમૃધ્ધ છે. અહીંના ખેડૂતો સમગ્ર વિશ્વને મીઠી મધુર કેરી ખવડાવે છે.

રાસાયણિક ખાતરથી જમીન અને ખેતીના પાકને તેમજ પ્રજાના આરોગ્યને થઈ રહેલા નુકસાન અંગે રાજયપાલએ જણાવ્યું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદાર છે. જમીન વેરાન અને બિનઉપજાઉ બની રહી છે. છેલ્લા વર્ષે જાહેર થયેલા ભારતના ઓર્ગેનિક કાર્બન રિપોર્ટમાં દેશની જમીનમાં 0.3-0.4 થી નીચે ઑર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા મળ્યું છે જે પહેલાં 2.5 થી 5 ટકા હતું. છેલ્લા 3 વર્ષથી જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પોતાની જમીનના ઓર્ગેનિક કાર્બન ચેક કરાવશે તો 1 થી 1.5 ટકા વધ્યું હોવાનું જોવા મળશે. રાસાયણિક ખાતરનો આમ જ ઉપયોગ થતો રહેશે તો આગામી 50 વર્ષમાં ખેતીની જમીન આપણા ઘરના ફર્શ જેવી થઈ જશે કે જેના પર કંઈ ઉગાડી નહીં શકાય. ખેતરમાં રાસાયણિક ખાતર નાંખવાથી જમીન, મનુષ્ય અને પ્રાણીઓને પણ કેન્સર થઈ રહ્યું છે. લોકોને પણ રાસાયણિક ખાતરથી થતી ખેત પેદાશથી 3 ઘણી વધારે ઝડપથી કેન્સર, હાર્ટએટેક, કીડની ફેઈલ્યોરના અને ચર્મરોગો થઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. 40-50 વર્ષ પહેલાં લોકો આવી બિમારીને જાણતા પણ ન હતા પરંતુ હવે ઘરે ઘરે આ બિમારીઓ જોવા મળી રહી છે.

રાસાયણિક ખાતરમાં 50 ટકા મીઠુ (નમક) હોય છે જે જમીનને પથ્થર બનાવે છે. જેના કારણે વરસાદમાં જમીન પાણી પી શકે નહી, જેની અસર છોડ પર પડશે, તે જડને મજબૂત પકડી નહીં શકે. જો જમીનને ફરી ઉપજાઉ બનાવવી હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ સિધ્ધાંતો અને અળસિયાનું મહત્વ સમજાવ્યાં હતાં. રાજયપાલએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ભરપૂર માત્રામાં હોય છે. જેના થકી પાણી જમીનમાં ઉતરે છે. જમીનને ઉપજાઉ અને સક્ષમ બનાવવાનું કામ અળસિયા કરે છે. જેઓ જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ વધારે છે. જેટલા અળસિયા વધારે હશે એટલી જમીન ફળદ્રુપ બનશે. પરંતુ રાસાયણિક ખેતીથી અળસિયા અને જમીનને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ તેમજ ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ થતા તત્વોનો પણ નાશ થાય છે.

પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયના ગૌમૂત્રથી ૩૦ એકર જમીન પર સમૃધ્ધ ખેતી થઈ શકે છે. કારણ કે, ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને ખેતીને સમૃધ્ધ બનાવે છે. જંગલની જમીનમાં કોઈ હળ કે ટ્રેકટર ચલાવતું નથી કે રાસાયણિક ખાતર નાંખતા નથી છતાં વૃક્ષો ફળોથી ભરેલા રહે છે. પ્રકૃતિ – પરમાત્મા જંગલના તમામ વૃક્ષોની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. પ્રાકૃતિક ખેતી જીવન આપવાનું કામ કરે છે. ખેડૂતોનું કલ્યાણ કરે છે સાથે આત્માનું પણ કલ્યાણ કરે છે. લોકોને સ્વસ્થ જીવન આપે છે, એમ કહીને રાજ્યપાલએ ગુરૂદક્ષિણામાં તમામ ખેડૂતોને શરૂઆતના તબક્કામાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code