Site icon Revoi.in

છોટાઉદેપુર: કવાંટમાં પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનું અનોખું આકર્ષણ

Social Share

સુરતઃ કુદરતી સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો નર્મદા નદીનો કાંઠા વિસ્તાર હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદોના ત્રિવેણી સંગમ પર આવેલા તુરખેડા, ધારસિમેલ અને ખોખરાના ધોધ અને આસપાસની પર્વતમાળાઓનું કુદરતી સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

ચોમાસાએ પ્રાણ પૂર્યા કુદરતી સૌંદર્યમાં

ચોમાસાની ઋતુમાં તુરખેડા વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ખાસ કરીને ધારસિમેલ ગામનો ધોધ 70 ફૂટની ઊંચાઈએથી પડતાં અતિ મનોરમ્ય દૃશ્યો સર્જાયા છે, જેને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ કુદરતના ખોળે મુક્ત મને નહાવાનો આનંદ માણી રહ્યા છે.

પ્રકૃતિનો અદ્ભુત નજારો

આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન નવપલ્લિત જંગલો, પાણીથી છલકાતી મોસમી નદીઓ, સરોવરો અને તળાવો તેમજ ખળખળ વહેતા ઝરણાં, લીલાછમ વૃક્ષો અને ગિરિમાળાઓનો અદ્ભુત નજારો હૃદયને પ્રફુલ્લિત કરી દે છે. આ દૃશ્યો જોઈને 1967ની જીતેન્દ્રની ફિલ્મ ‘બુંદ જો બન ગયી મોતી’નું ગીત “હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન…” યાદ આવી જાય છે. આ કુદરતી સુંદરતા માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

Exit mobile version