Site icon Revoi.in

ગોધરામાં મકાનની દીવાલ ધડાકા સાથે તૂટી પડતા બાળક અને તેના પિતાનું મોત

Social Share

ગોધરા. 14 મે 2026: Child and his father die after wall of building collapses  શહેરના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા પિતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે,  ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુ ઝાલૈયા ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની મજૂરી કરવા આવ્યા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હતો. પિતા જ્યારે મકાન તોડવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મકાનની એક દીવાલ પિતા-પુત્ર પર ધસી પડી હતી.  દીવાલ પડતાની સાથે જ કાળુભાઈ અને માસૂમ કિશન કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે પિતા-પુત્ર બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ (PM) અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ કરુણ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે મકાન તોડવાની કામગીરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે તકેદારી રાખવામાં આવી નહોતી. યોગ્ય સાવચેતી વગર કામ કરાવવામાં આવતું હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version