Site icon Revoi.in

કચ્છમાં 350 ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે

Social Share

ભૂજ, 27 માર્ચ 2026: Admission under RTE ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની જાહેરાત કરાતા કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને RTE  હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે.

કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના કહેવા મુજબ જિલ્લામાં  RTEના કારણે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા છે.સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા-પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો સહિત તમામ લાભ લઇ શકશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલ શનિવારથી 16 એપ્રિલ શુક્રવાર દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શૈક્ષણિક વર્ષ 2025-26 થી વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીની પાળી (શિફ્ટ) પસંદ કરી શકશે. અત્યાર સુધીના કિસ્સામાં જોવા મળતું હતું કે, જે શાળામાં સવાર અને બપોર એમ બે પાળી ચાલતી હોય ત્યાં સવારની પાળીમાં મોટાભાગે સંપન્ન પરિવારના બાળકોને પ્રાધાન્ય મળતું હતું. જોકે, હવે શિક્ષણ નિયામકની કચેરીએ RTE પોર્ટલમાં ફેરફાર કર્યો છે. હવે પોર્ટલ પર માત્ર શાળાની ખાલી બેઠકો જ નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દર્શાવવામાં આવશે.

Exit mobile version