નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહન (EV) અને બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. સરકારે આ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે ભારત હવે વિશ્વના સૌથી મોટા ઈવી બજારોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. પરંતુ ભારતની આ વધતી સફળતા ચીનને રાસ આવી નથી અને તેણે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) પાસે ભારત વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.
ચીનનો આક્ષેપ છે કે ભારતની પ્રોત્સાહક અને સબસિડી યોજનાઓ આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ચીનનું માનવું છે કે ભારત પોતાની નીતિઓથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપે છે અને વિદેશી કંપનીઓ માટે સમાન સ્પર્ધાત્મક પરિસ્થિતિ ઉભી થવા દેતો નથી. ચીનની ફરિયાદનો મુખ્ય આધાર ભારતની ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહન (PLI) યોજના અને ઈવી નીતિ છે. આ યોજનાઓ હેઠળ ભારતીય કંપનીઓને પ્રોત્સાહન અને સબસિડી આપવામાં આવે છે, જેથી તેઓ દેશની અંદર વધુ ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીઓનું ઉત્પાદન કરી શકે. ચીનના મુજબ, આ પગલાં આયાત ઘટાડવાની અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાની કોશિશ છે, જે WTOના નિયમો સામે છે.
વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમો મુજબ, આવી ફરિયાદોનું પ્રથમ તબક્કામાં પરામર્શ દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. ચીન અગાઉ તુર્કી, કેનેડા અને યુરોપિયન યુનિયન સામે પણ ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રમાં વધારેલા સહાય માટે સમાન પ્રકારની ફરિયાદો કરી ચૂક્યું છે.
ભારત પોતાની આર્થિક વૃદ્ધિ સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા પર પણ ભાર મૂકી રહ્યું છે. આયાત પર નિર્ભરતા ઘટાડવી અને ઊંચી ટેકનોલોજી ધરાવતા ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન વધારવું ભારતની નવી ઉદ્યોગ નીતિનો મુખ્ય હિસ્સો છે. ઈવી અને બેટરી ક્ષેત્ર આ વ્યૂહરચનાનો મહત્વનો અંગ છે. સરકારના પ્રોત્સાહનથી ભારત ધીમે ધીમે એક મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, જે ચીન માટે ચિંતા જનક બાબત બની છે.
ચીન પોતે જ દાયકાઓથી સબસિડી, સસ્તા લોન અને સંરક્ષણવાદી નીતિઓ દ્વારા પોતાના સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવતું આવ્યું છે. આ જ નીતિઓને આધારે ચીન વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની શક્યું છે. હવે જ્યારે ભારત પણ સમાન મોડેલ થોડા સંતુલિત રીતે અપનાવી રહ્યું છે, ત્યારે ચીનને તે નાપસંદ છે.
ભારતની ઈવી અને બેટરી નીતિ ફક્ત આર્થિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ સ્વાવલંબન અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં ભારતને વૈશ્વિક ઉદ્યોગ ક્ષેત્રમાં મજબૂત સ્થાન અપાવી શકે છે.