નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને પાકિસ્તાન સામે મોટી સફળતા મળી હતી. પહેલગામમાં થયેલા હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. હવે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા 81 ટકા શસ્ત્રો ચીનના છે.
લેફ્ટનન્ટ જનરલ સિંહે FICCI ના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “સરહદ પર યુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ ત્રણ વિરોધીઓ હતા. પાકિસ્તાન આપણી સામે મોરચે ઊભું હતું અને ચીન તેને દરેક શક્ય રીતે મદદ કરી રહ્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા 81 ટકા શસ્ત્રો ચીનના છે. આમ ચીને તેના શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે. ચીને તેનો ઉપયોગ જીવંત પ્રયોગશાળાની જેમ કર્યો છે. તુર્કીએ પણ પાકિસ્તાનને મદદ કરી છે અને તે પાકિસ્તાન સાથે હતું.”