
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. રશિયાની કાર્યવાહી સામે અમેરિકા અને યુકે સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં યુકેએ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યાં છે. બીજી તરફ રશિયાની સૈન્ય કાર્યવાહીનું પાકિસ્તાન બાદ હવે ચીને પણ સમર્થન કર્યું હોવાનું જાણવા મળે છે. ચીને રશિયા ઉપર લગાવેલા ઘઉં આયાત ઉપર પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં હવે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. અમેરિકા, બ્રિટેન અને યુરોપિયન દેશો સહિતના દેશોએ યુક્રેનને સમર્થન આપ્યું છે.
યુક્રેન પર રશિયન હુમલાના થોડા સમય બાદ ચીનના કસ્ટમ્સ જનરલ એડમિનિસ્ટ્રેશને આની જાહેરાત કરી હતી. આ પગલું આ મહિનાની શરૂઆતમાં પુતિન અને જિનપિંગ વચ્ચે થયેલા કરારના ભાગરૂપે આવ્યું છે. રશિયા વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશોમાંનો એક છે. પરંતુ રશિયાએ બેક્ટેરિયા અને દૂષણના ડરથી ચીનને ઘઉંની નિકાસ કરી ન હતી. આ મહિનાની શરૂઆતમાં, 8 ફેબ્રુઆરીએ ચીન અને રશિયાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ચીનના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે વાવણીના સમયગાળા દરમિયાન પૂરના કારણે ચીનને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશો એકસાથે પુતિનની ટીકા કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને પોતાના સંબોધનમાં રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈયુના નેતાઓ પણ છ કલાકની બેઠક બાદ રશિયા પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદવા માટે સહમત થયા છે. કાઉન્સિલના અધ્યક્ષે કહ્યું કે રશિયા યુક્રેન પરના તેના હુમલાને યોગ્ય ઠેરવવા માટે “ખોટા અને નકામા બહાના” બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રતિબંધોથી તેમની સરકારને નુકસાન થશે.