Site icon Revoi.in

ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા, ભારતિય સૈન્યના પરાક્રમને આપી સલામી

Social Share

ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. 100થી વધુ આતંકીઓને ખતમ કર્યા હતા. તેથી ભારતિય સેનાના આ પરાક્રમને બિરદાવવા ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યાત્રા નીકળી હતી. યાત્રા સચિવાલય જિમખાના સેકટર 21 ગેટથી શરૂ થઈ હતી. પેન્ટાલુંસ, સૌરાષ્ટ્ર ફરસાણ અને લક્ષ્મી બેકરી થઈને પંચદેવ મંદિર ખાતે સમાપન થયું હતું.

ભારતીય સેનાના સિંદૂર ઓપરેશનને બિરદાવવા માટે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટા સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અને તિરંગા યાત્રાથી રાષ્ટ્રીય ભાવના ઉજાગર થઈ હતી. નાગરિકોએ ભારતીય સૈન્યને સલામી આપીને બિરદાવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. તેમજ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલ પણ જોડાયા હતા. નિવૃત સૈનિકો, સંતો અને સામાજિક-ધાર્મિક અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો. વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લઈને સેનાના પરાક્રમને સલામી આપી હતી.