1. Home
  2. ગુજરાતી
  3. ઝારખંડ વિદ્યાર્થી આંદોલનને CJP નું સમર્થન, અભિજીત દીપકે જશે ઝારખંડ
ઝારખંડ વિદ્યાર્થી આંદોલનને CJP નું સમર્થન, અભિજીત દીપકે જશે ઝારખંડ

ઝારખંડ વિદ્યાર્થી આંદોલનને CJP નું સમર્થન, અભિજીત દીપકે જશે ઝારખંડ

0
Social Share

મુંબઈ, 5 ઓગસ્ટ 2026: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ની બે દિવસીય મહત્વપૂર્ણ કોર કમિટીની બેઠકનો પ્રારંભ થયો છે. બેઠકના પ્રથમ દિવસે જ સંગઠનના પ્રમુખ અભિજીત દિપકે અને પ્રવક્તા સૌરભ દાસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સંગઠનની આગામી રણનીતિ, ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને ટેકો તથા દેશભરમાં સંગઠનના વિસ્તાર અંગે સ્પષ્ટ ભૂમિકા રજૂ કરી હતી. અભિજીત દિપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સંગઠન ઝારખંડના વિદ્યાર્થી આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે. આગામી સમયમાં CJPનું એક વિશેષ પ્રતિનિધિમંડળ ઝારખંડની મુલાકાત લેશે અને ત્યાંના આંદોલનકારી વિદ્યાર્થીઓની પડખે ઉભું રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાનો અને આગામી રોડમેપ તૈયાર કરવાનો છે.

વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વાત કરતા અભિજીત દિપકેએ સ્પષ્ટતા કરી હતી કે, CJPની હાલ રાજકારણમાં પ્રવેશવાની કે ચૂંટણી લડવાની કોઈ જ ઈચ્છા નથી. તેમણે દેશના રાજકારણ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વર્તમાન સમયમાં રાજકીય પક્ષોની સ્થિતિ દયનીય બની ગઈ છે, જ્યાં ધારાસભ્યો અને સાંસદો સતત પક્ષપલટો કરી રહ્યા છે. સાથે જ ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા રાજકીય પક્ષોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. દિપકેએ ભારપૂર્વક જણાવ્યું કે, લોકતંત્રને મજબૂત કરવા માટે તમામ પક્ષો અને નાગરિકોએ રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને એક થવું પડશે. આ બેઠકમાં મીડિયાની સ્વાતંત્ર્યતા, ન્યાયપાલિકા, વધતી બેરોજગારી અને સરકારની E20 નીતિ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તબિયત સારી ન હોવાના કારણે તેઓ હાજર રહી શક્યા નથી.

  • વિદ્યાર્થીઓ પર થયેલી FIR પાછી ખેંચવાની માંગ

CJPના પ્રવક્તા સૌરભ દાસે આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા દમન સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરનાર પોલીસકર્મીઓની જવાબદારી ચોક્કસપણે નક્કી થવી જોઈએ. સૌરભ દાસે દાવો કર્યો હતો કે CJP દ્વારા માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના જે-જે રાજ્યોમાં વિદ્યાર્થી આંદોલનો થયા છે, ત્યાંના પીડિતોને પહેલા દિવસથી જ કાનૂની અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સરકારના પ્રતિનિધિઓ સાથે સતત ચાલી રહેલી વાતચીતના પરિણામે ઘણા રાજ્યોમાં આંદોલનકારીઓ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદો પાછી ખેંચી લેવામાં આવી છે, જ્યારે બાકીના મામલાઓમાં પણ રાહત મેળવવાના પ્રયાસો ચાલુ છે.

આંદોલનમાં સામેલ કેટલીક વિદ્યાર્થીઓને માફી માંગવા માટે દબાણ લાવવાના મુદ્દે પ્રવક્તાએ ભાજપ અને RSS પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે છાત્રાઓ વિરુદ્ધ ગેરકાયદેસર ‘ડોક્સિંગ અભિયાન’ચલાવવામાં આવ્યું હતું, જે અત્યંત નિંદનીય છે. આ કાવતરામાં સંડોવાયેલા ભાજપ અને RSS સમર્થકો સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. અંતમાં, સૌરભ દાસે સોનમ વાંગચુકને CJPના મુખ્ય માર્ગદર્શક ગણાવતા કહ્યું કે સંગઠન ભવિષ્યમાં પણ રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર તેમની સલાહ લેતું રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code