ગાંધીનગર, 15 સપ્ટેમ્બર, 2026 : Food and Drugs Department searches 200 hotels રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે અને તાજેતરમાં પી. પી. સવાણી શાળાની હોસ્ટેલ, સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને હોસ્ટેલ/કેન્ટીન તપાસ માટેની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવાની સુચના આપતા તંત્ર દ્વારા 200 હોટલો અને કેન્ટિન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 61 હોટલ સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. તેમજ ફુડના 114 નમુના લઈને પરીક્ષણ માટે મોકલી અપાયા છે. એક હોટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
સુરતના અબ્રામા વિસ્તારમાં ગત ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં ૧૦૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ને અસર થઈ હતી. જેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા સમગ્ર રાજ્યની તમામ હોસ્ટેલ/કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે સઘન ચકાસણી હાથ ધરવા માટે ખાસ ડ્રાઇવ યોજવાના આદેશ આપ્યા છે.
રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા, ભેળસેળિયા તેમજ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.


