સુરેન્દ્રનગર, 15 સપ્ટેમ્બર, 2026 : Driver dies after car plunges into water on causeway જિલ્લાના ચુડા તાલુકામાં ભારે વરસાદને લીધે નદી-નાળા છલકાયા છે, ત્યારે તાલુકાના સોનઠા અને કંથારિયા ગામ વચ્ચે આવેલા કોઝ-વે પર પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો. દરમિયાન એક કારચાલક કોઝવે પરથી પસાર થતાં જ પાણીના પ્રવાહને લીધે કાર પલટી મારીને તણાઈ હતી. કારમાં બે વ્યક્તિઓ બહાર નિકળવામાં સફળ રહ્યા હતા. પણ કારચાલકનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ત્યારે ચુડા તાલુકાના સોઢા ગામ નજીક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓવરફ્લો થયેલા બેઠા કોઝવે પરથી પસાર થતી વખતે એક સ્વિફ્ટ કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતુ. મૃતક યુવકની ઓળખ મોહન વેગડા તરીકે થઈ છે. મોહન વેગડા પોતાની સ્વિફ્ટ કાર લઈને સોઢા તરફથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. અને બેઠો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઉપરથી લગભગ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી વહી રહ્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર, કારચાલક યુવકે પાણીના પ્રવાહનો અંદાજ લગાવ્યા વગર કાર કોઝવે પર લઈ લીધી હતી. કાર અડધે પહોંચતા જ પાણીના જોરદાર પ્રવાહને લીધે કારચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં કાર પાણીમાં તણાવા લાગી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કારને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી. કારમાં બે વ્યક્તિઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પણ કારચાલક કારનો દરવાજા લોક થઈ જતા અને પાણીનું દબાણ વધારે હોવાના કારણે તે બહાર નીકળી શક્યો ન હતો. આખરે કાર સહિત યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ચુડા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી મોહન વેગડાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


